અસ્તિત્વનું જોખમ! 2022માં આ દેશમાં જેટલા લોકો જન્મ્યા એના કરતાં બમણાં મૃત્યુ પામ્યા
ઘટતી વસતી જાપાન માટે મોટો પડકાર બની, અહીં વૃદ્ધોની વસતી પણ ચિંતાજનક
ગત વર્ષે જાપાનમાં 8 લાખ બાળકો જન્મ્યા હતા અને 15 લાખ 80 હજાર લોકો મૃત્યુ પામ્યા
image : pixabay |
આ રીતે તો જાપાનનું અસ્તિત્વ જ મટી જશે...! જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સલાહકારે આ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં જે ઝડપે જન્મદર ઘટી રહ્યો છે તેનાથી આ સંકટ પેદા થઈ શકે છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં દેશની સામે સામાજિક સુરક્ષા અને અર્થતંત્ર સામે ગંભીર સંકટ પેદા થઈ શકે છે.
જાપાનના વડાપ્રધાનના સલાહકારે શું કહ્યું....
કિશિદાની સલાહકાર મસાકા મોરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે જો આવું જ ચાલતું રહેશે તો એક દિવસ દેશ જ ગાયબ થઈ જશે. તેમણે કહ્યું હતું કે દેશમાં જન્મદર ગત વર્ષની તુલનાએ ખૂબ જ ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં જન્મદરમાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે.
મસાકા મોરીએ ઘટતા જન્મદર અંગે વ્યક્ત કરી ચિંતા
મસાકા મોરીએ કહ્યું કે જે રીતે જન્મદર ઘટી રહ્યો છે તે ચિંતાજનક છે. તેના માટે લોકોએ જાગૃત થવું પડશે. તેમણે કહ્યું કે ગત વર્ષે એટલે કે 2022માં જેટલા લોકો દેશમાં જન્મ્યા તેના કરતાં બમણાં લોકો મૃત્યુ પામી ગયા હતા. ગત વર્ષે જાપાનમાં 8 લાખ બાળકો જન્મ્યા હતા અને 15 લાખ 80 હજાર લોકો મૃત્યુ પામી ગયા હતા. તેમણે કહ્યું કે આપણે બાળકો અને પરિવાર સંબંધિત ખર્ચ બમણો કરવો પડશે. આ ઘટાડો આપણા અનુમાનથી અનેક ગણો વધારે છે.
હાલમાં જાપાનની વસતી કેટલી ?
હાલ જાપાનની વસતી 12.46 કરોડ છે. જ્યારે 2008માં જાપાનની કુલ વસતી 12 કરોડ 40 લાખ હતી. આ રીતે સતત ઘટાડાનો દોર યથાવત્ છે. આટલું જ નહીં આ વસતીમાં પણ વૃદ્ધોની સંખ્યા વધારે છે. તેના લીધે વર્કફોર્સ ઘટી રહી છે અને આ અર્થતંત્ર સામે મોટો પડકાર છે. હાલમાં જાપાનમાં 29 ટકા લોકો એવા છે જેમની વય ૬૫થી વધુ છે. દ.કોરિયામાં જન્મદર સૌથી ઓછો છે. પણ જાપાનની વસતીમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.