જાપાનના વડાપ્રધાનનો મોટો નિર્ણય, આગામી મહિને જ આપશે રાજીનામું, અચાનક કેમ લીધો નિર્ણય?
PM Fumio Kishida Resignation : જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 'આવતા મહિનામાં થવા જઈ રહેલી પાર્ટીના અધ્યક્ષપદની ચૂંટણી લડશે નહીં.' કિશિદાએ અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય કર્યો છે, ત્યારે સપ્ટેમ્બરમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતા પદેથી રાજીનામું આપશે. જાપાનમાં શાસક પક્ષના અધ્યક્ષને વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવે છે. કિશિદાની આ જાહેરાત સાથે હવે નક્કી થઈ ગયું છે કે, દેશને થોડા સમયમાં નવા વડાપ્રધાન મળશે. બીજી તરફ, LDP પાર્ટી વિવાદમાં રહેવાથી કિશિદાનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું હોવાનું માનવામાં આવે છે.
લિબરલ ડેમોક્રેટિક પાર્ટી પરિવર્તન લઈને આવશે
કિશિદાએ કહ્યું હતું કે, 'પાર્ટીને નવી શરુઆતની જરુરત છે. પાર્ટીને આંતરિક ચૂંટણી દ્વારા લોકોને એ જણાવવું જરૂરી છે કે, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી પરિવર્તન લઈને આવશે.'
કિશિદા પર લાંબા સમયથી પદ છોડવા માટે દબાવ
ગત એપ્રીલ મહિનામાં જાપાનના અનેક શહેરોમાં પેટાચૂંટણી થઈ હતી. જેમાં LDPને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે LDP પાર્ટીના આ હાર પછી કિશિદાના રાજીનામું આપવાની માંગ ઊઠી હતી. જેથી કિશિદા પર લાંબા સમયથી પદ છોડવા માટે દબાવ હતું. બીજી તરફ, જાપાનમાં આગામી ઓક્ટોબર મહિનામાં ચૂંટણી થવાની છે.
LDP પાર્ટી વિવાદમાં રહેવાથી કિશિદાનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું
જાપાનમાં LDP સતત વિવાદમાં રહી છે, ત્યારે પાર્ટી સંબંધિત કૌભાંડો, રાજકીય ભંડોળ અંગેનો વિવાદ અને કિશિદાના સતત ઘટી રહેલા એપ્રુવલ રેટિંગને કારણો માનવામાં આવે છે. જુલાઈમાં કિશિદાનું એપ્રુવલ રેટિંગ 20 ટકાથી નીચે ગયું હતું. જ્યારે સતત આઠમમાં મહિનાથી કિશિદાનું રેટિંગ ઘટતુ જોવા મળે છે. 2021માં વડાપ્રધાન કિશિદાનું રેટિંગ લગભગ 65 ટકા હતું. જાપાનમાં યોશીહિદે સુગા પછી કિશિદાએ ઓક્ટોબર 2021માં વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું.