જાપાનમાં શક્તિશાળી વાવાઝોડાના કારણે ઍલર્ટ, 17000 ઘરો ખાલી કરવા આદેશ, રેલવે-વિમાન સેવાઓ રદ
Japan Ampil Typhoon : જાપાનમાં વાવાઝોડું એમ્પિલના ખતરાને ધ્યાને રાખી ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને તુરંત ઘરો ખાલી કરવાના નિર્દેશ જાહેર કરાયા છે. આ ઉપરાંત અહીં રેલવે અને વિમાન સેવાઓ પણ રદ કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ટોક્યોના દરિયા કિનારે પહોંચ્યું છે, જેને ધ્યાને રાખી સંયુક્ત વાવાઝોડા ચેતવણી કેન્દ્ર (JTWC) દ્વારા ઍલર્ટ જાહેર કર્યું છે.
ટોક્યો માટે આગામી 12 કલાક ભારે
જેટીડબલ્યુસીના જણાવ્યા મુજબ વાવાઝોડું એમ્પિલ શક્તિશાળી બની ગયું છે અને તે ટોક્યોના દરિયા કિનારે પહોંચી ગયું છે. વાવાઝોડું આગામી 12 કલાકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જ્યારે વાવાઝોડું જાપાન પાસેથી પસાર થશે, ત્યારે તેની મોટી અસર થવાની પણ સંભાવના છે.
ઘરોને ખાલી કરવા અપાયો આદેશ
ઈસુમીના દરિયાકાંઠાના વિસ્તારોના અધિકારીઓએ વાવાઝોડાને ધ્યાનમાં રાખી લગભગ 17000 ઘરો ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે. આ સાથે તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોની સુરક્ષા કરવા માટે તેમની શોધખોળ કરવાની શરુઆત કરી દીધી છે. આ વિસ્તારમાં આજે મોડી રાત સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન ભારે પવન ફુંકાવાની સાથે મુશળધાર વરસાદ પણ પડી શકે છે.
રેલવે-એરલાઇન્સ સેવાઓ રદ
યોકોહામા શહેરમાં પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. આજે સવારે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવનના કારણે હજારો ઘરોની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. વાવાઝોડા અંગેની નોટિસ મળ્યા બાદ રેલવે અને એરલાઇન્સની સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. દેશની બે મુખ્ય એરલાઇન્સ જાપાન એરલાઇન્સ અને ઑલ નિપ્પૉન એરલાઇન્સે 500થી વધુ ફ્લાઇટો રદ કરી દીધી છે. આ ઉપરાંત છ બુલેટ રેલવે સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.
ભારે પવન-વરસાદ, પૂર, ભૂસ્ખલનની ચેતવણી
હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વી જાપાન માટે ભારે વરસાદ, ભારે પવન, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ તમામ લોકોને જરૂરી સાવચેતી રાખવા અને વાવાઝોડાની અસર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. ચક્રવાતનું કેન્દ્ર કાંઠાથી થોડું દૂર છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા