દુનિયામાં વિભાજન! G20ની અખંડતા બનાવી રાખવી જરૂરી, ચીને ભારતની વાત પર આપ્યું સમર્થન
Johannesburg G20 : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G20 બેઠકમાં ભારતે G20 ગ્રૂપની અખંડીતતા જાળવવા પર ભાર મૂક્યો છે, જેને ચીને પણ સમર્થન આપ્યું છે. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે વિશ્વમાં વિભાજનની સ્થિતિ વચ્ચે જી20 ગ્રૂપોની અખંડીતતા જાળવા માટે ભારત-ચીનના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો છે.
ભારત-ચીને G20ને સુરક્ષિત રાખવા અથાગ મહેનત કરી : જયશંકર
વાસ્તવમાં G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ભારત અને ચીનના વિદેશમંત્રી વચ્ચે દ્વિપક્ષીય યોજાઈ હતી, જેમાં જયશંકરે ચીના વિદેશમંત્રી વાંગ યી સાથે સંબોધનમાં કહ્યું કે, ‘આપણે સમજવુ જોઈએ કે, ભારત અને ચીને વિશ્વમાં વિભાજનની સ્થિતિના પડકારો વચ્ચચે જી20ને સુરક્ષિત રાખવા માટે અથાગ મહેનત કરી છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્ત્વને પ્રમાણિત કરે છે.’
જયશંકરે બ્રિક્સનો ઉલ્લેખ કરી અમેરિકા પર સાધ્યું નિશાન
જયશંકરે કહ્યું કે, ‘અમારા NSA (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) અને વિદેશ સચિવ ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓએ બંને દેશોના સંબંધો અંગે પણ ચર્ચા કરી છે. ચર્ચામાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાનું સંચાલન તેમજ આપણા સંબંધોના અન્ય પરિમાણોનો સમાવેશ થાય છે. આજે વિચારોની આપ-લે કરવામાં મને આનંદ થાય છે.’ આ દરમિયાન વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે, ભારત અને ચીન જી20, એસસીઓ (શાંઘાઈ સહયો સંગઠન) અને બ્રિક્સના સભ્યો છે.
આ પણ વાંચો : PM મોદીનો મોરેશિયસ પ્રવાસ: 70 ટકા વસતી મૂળ ભારતીય, હિન્દી જ નહીં ભોજપુરીનો પણ દબદબો
જયશંકરે બ્રિક્સનો ઉલ્લેખ કરી અમેરિકાને આપ્યો જવાબ?
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (21 ફેબ્રુઆરી) બ્રિક્સ દેશો અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘યુએસ ડોલરના પ્રભુત્વને પડકારવાનો પ્રયાસ કરનાર કોઈપણ રાષ્ટ્ર પર 150 ટકા ટેરિફ લાદવાની તેમની તાજેતરની ધમકીને કારણે બ્રિક્સ તૂટી પડયું છે. બ્રિક્સ વૈકલ્પિક ચલણ રચીને ડોલરનું અવમૂલ્યન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના પ્રતિસાદમાં તેમણે ચેતવણી આપી હતી કે આવું કોઈપણ પગલું ગંભીર આર્થિક દંડમાં પરિણમશે.’
ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ અંગે પણ ચર્ચા થઈ
આ પહેલા બંને નેતાઓ વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને કૈલાશ માનસરોવર યાત્રા અંગે સાર્થક ચર્ચા થઈ હતી. આ મુલાકાત વિશે ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બેઠક વિશેની માહિતી આપી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘જોહાનિસબર્ગમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાંથી તેમને CPC પોલિટબ્યુરોના સભ્ય અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળવાની તક મળી હતી.’
ઉલ્લેખનીય છે કે, જી20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા, આફ્રિકન સંઘ અને યુરોપિયન સંઘ સામેલ છે.