કયાં છે ચીનના લાપતા ઉદ્યોગપતિ જેક મા, ચીનના સરકારી અખબારે કર્યો આવો ઈશારો
બિજિંગ, તા. 5 જાન્યુઆરી 2021, મંગળવાર
ચીનના અબજોપતિ અને ઓનલાઈન શોપિંગ સાઈટ અલીબાબાના સંસ્થાપક જેક મા છેલ્લા બે મહિનાથી ગાયબ હોવાના અહેવાલોએ દુનિયાભરમાં ચકચાર મચાવી છે.
જેક મા ક્યાં છે તે અંગે અટકળો થઈ રહી છે ત્યારે ચીનના સરકારી વાજિંત્ર ગણાતા અખબાર પીપલ્સ ડેલીમાં જેક મા સરકારની નજર હેઠળ હોવાનો ઈશારો કરાયો છે.જે પ્રમાણે જેક મા દેશ છોડીને ના જતા રહે તેમાટે તેમને અજાણી જગ્યાએ નજરકેદ રાખવામાં આવ્યા હોવાનુ અહેવાલમાં કહેવાયુ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે જેક મા પોતાના રિયાલીટી શોમાં પણ જજ તરીકે નહીં આવતા તેમના લાપતા થવાની ખબરોએ વેગ પકડયો હતો.એવુ મનાઈ રહ્યુ છે કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય જેક માને સરકારે સલાહ આપી છે કે, તે દેશ ના છોડે.જેક માની આ પ્રકારની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે તેમનો વિવાદ અને તેમની કંપની અલી પેને લઈને જાગેલો વિવાદ જવાબદાર છે.
મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ અલી પેની સ્થાપના જેક માએ 20 વર્ષ પહેલા કરી હતી.73 કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે.ચીનના સરકારી અખબારે તો ગયા નવેમ્બર મહિનામાં જ કહ્યુ હતુ કે, હવે કોઈ જેક માનો યુગ નહી આવે.જેક મા બુધ્ધિમાન છે પણ રાષ્ટ્રીય નીતિઓના સમર્થન વગર તેમની કંપની આટલુ મોટુ એમ્પાયર ઉભુ ના કરી શકી હોત.આજે જેક માનો નથી પ્રભાવ કે નથી તેમની લોકપ્રિયતા.
બીજી તરફ ચેક માના એન્ટ ગ્રૂપ પર પણ સરકારે ગાળિયો કસ્યો છે અને તેને પોતાના બિઝનેસના નિયમોમાં બદલાક રવા માટે આદેશ આપ્યો છે.એન્ટ ગ્રૂપ દુનિયાની સૌથી મોટી ફાઈનાન્સિયલ ટેકનોલોજી કંપની છે.ચીનની કેન્દ્રિય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ પણ એન્ટ ગ્રૂપના અધિકારીઓનને સમન્સ મોકલ્યુ છે.આ ગ્રૂપ સામે ઈન્ટરને સેક્ટરમાં મોનોપોલીની તપાસ પણ શરુ કરવામાં આવી છે.
સરકારના નિયંત્રણો વધ્યા બાદ અલીબાબા ગ્રૂપને 80000 કરોડ રુપિયાનુ નુકસાન 2020માં થયુ છે.કંપનીનો એક આઈપીઓ પણ સસ્પેન્ડ કરી દેવાયો છે.પીપલ્સ ડેલી અખભારનુ કહેવુ છે કે, આઈપીઓ સસ્પેન્ડ થયા બાદ જેક માની લોકપ્રિયતા ધરતી પર આવી ગઈ છે.