અમેરિકાઃ ભારતીય વિદ્યાર્થિનીનુ કારની ટક્કરથી મોત નીપજાવનાર પોલીસ અધિકારી સામે કોઈ કેસ નહીં ચાલે
image : Twitter
વોશિંગ્ટન,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિનીને જે પોલીસ અધિકારીની કારે ટક્કર મારી હતી તે અધિકારી સામે કોઈ પણ જાતનો ગુનાઈત કેસ ચલાવવામાં નહીં આવે.
સિએટલની કિંગ કાઉન્ટીના સરકારી વકીલના કાર્યાલયે આરોપી અધિકારી કેવિન ડેવ સામે કોઈ જાતનો કેસ આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારી વકીલના કાર્યાલયનુ કહેવુ છે કે, પૂરતા પૂરાવાના અભાવે અધિકારી સામે કેસ પડતો મુકવાનો નિર્ણય લેવાય છે. હવે તેને કોઈ જાતના ગુનાઈત આરોપનો સામનો કરવો નહીં પડે.
ઉલ્લેખીય છે કે, 23 જાન્યુઆરીએ સિએટલમાં રસ્તો ક્રોસ કરી રહેલી ભારતીય વિદ્યાર્થિની જાનવી કંડુલાને કેવિન ડેવની કારે ટક્કર મારી હતી અને 23 વર્ષની આ ભારતીય વિદ્યાર્થિનીનુ મોત થયુ હતુ. અકસ્માત થયો ત્યારે કેવિનની કારની ઝડપ પ્રતિ કલાક 119 કિલોમીટર હતી. કારની ટક્કરથી જાનવી 100 ફૂટ દૂર ફંગોળાઈને પડી હતી.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, જાનવીના મોત બાદ પોલીસ અધિકારીનો વિડિયો વાયરલ થયો હતો અને તેમાં તે જાનવીના મોત પર બેફિકર બનીને હસતો દેખાયો હતો. વિડિયોમાં તે ફોન પર હસતા હસતા કોઈની સાથે વાત કરતા સંભળાયો હતો કે, એ મરી ગઈ છે અને તે 26 વર્ષની હતી એટલે તેના જીવનની કોઈ ખાસ કિંમત નહોતી.
પોલીસ અધિકારીના નિર્દયી વલણના આ કિસ્સાએ ભારે ઉહાપોહ સર્જયો હતો. જાનવી નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીના કોર્સમાં અભ્યાસ કરી રહી હતી અને આ વર્ષે ડિસેમ્બરમાં તે ગ્રેજ્યુએટ થવાની હતી. જાનવીના માતા સિંગલ મધર છે અને તેમણે લોન લઈને જાનવીને અમેરિકા ભણવા માટે મોકલી હતી.
સરકારી વકીલ લીસા મેનિયને કહ્યુ હતું કે, કંડુલાનુ મોત હૃદય હચમચાવી દે તેવુ હતુ અને તેના દુનિયાભરમાં પ્રત્યાઘાત પડ્યા હતા પણ આ મામલામાં પૂરતા પૂરાવાના અભાવે પોલીસ અધિકારી પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.