ટ્રમ્પનું પાનું બંધ કરવાનો સમય આવી ગયો છે : ટીવી મુલાકાતમાં કમલાએ આ સાથે બાયડેનની ભારે પ્રશંસા કરી
- મધ્યમ વર્ગને સંપૂર્ણ ટેકાનું હેરીસે વચન આપ્યું
- વસાહતીઓ ઉપર અંકુશ મુકવા ઉપરાંત ઈઝરાયલને શસ્ત્રો આપવાની બાયડેનની નીતિઓનો કમલા હેરીસે જોરદાર બચાવ કર્યો
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદની સ્પર્ધામાં ઉભા રહેલાં ઉપપ્રમુખ કમલા હેરિસે સ્પર્ધામાં ઝુંકાવ્યા પછી ટીવીને આપેલી પહેલી જ મુલાકાતમાં અમેરિકાના મહત્વાકાંક્ષી લોકોની મહત્વાકાંક્ષા પૂરી કરવાનું વચન આપવા સાથે તેઓના સ્પર્ધક અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે વેધક શબ્દબાણ છોડતાં કહ્યું, 'હવે ટ્રમ્પનું પાનું જ બંધ કરવાનો સમય આવી ગયો છે.' હવે જનસામાન્ય નવો જ માર્ગ લેવા માગે છે, તે દ્વારા આગે કદમ કરવા માગે છે. આ સાથે તેઓએ મધ્યમ વર્ગને પણ સંપૂર્ણ ટેકો આપવાનું વચન આપ્યું, અને તેને પ્રબળ કરવા બધું જ કરી છૂટવાની તૈયારી દર્શાવી હતી.
અમેરિકાની વિશ્વ વિખ્યાત ટીવી ચેનલ સીએનએનએ પોતાના રનીંગ મેઈટ ટીમ વાલ્ઝની સાથે આપેલી મુલાકાત સમયે તેઓએ કહ્યું જ્યારે હું અમેરિકાના લોકોની આકાંક્ષાઓ, તેઓના ધ્યેયો અને તે માટેના ઉત્સાહ તરફ જોઉં છું ત્યારે તેઓને આશાવાદસભર જોઈ રહી છું.
આ ટીવી મુલાકાતમાં હેરિસનાં 'રનીંગ-મેઇટ' વાલ્ઝે કહ્યું હતું કે, તેઓમાં અમેરિકાના જનસામાન્યને પ્રોત્સાહિત કરવાની તાકાત છે, અને તેથી હું ઘણો ઉત્તેજિત રહ્યું છું. અમો બંને સમાન મૂલ્યો ધરાવીએ છીએ.
હેરિસે પોતાના વક્તવ્યમાં સરહદ ઉપરથી (મેક્ષિકોમાંથી) થઈ રહેલી ઘૂસણખોરી નાથવા સર્વગ્રાહી વિધેયક લાવવા માટે પણ દાના બાશને આપેલી મુલાકાતમાં વચન આપ્યું હતું...
આ મુલાકાતમાં પૂર્વ પ્રમુખ અને પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર શબ્દબાણ છોડતાં કમલા હેરિસે દેશનાં અર્થતંત્રમાં ખાનાખરાબી કરવાનો ટ્રમ્પ ઉપર આક્ષેપ મુક્યો હતો. આ સાથે તેઓએ કહ્યું ટ્રમ્પે ઘણી ઘણી વાતો કરી, ઘણાં ઘણાં વચનો પણ આપ્યાં હતાં પરંતુ તેમાંથી એક પણ પુરાં કરી શક્યા નહીં. અમોએ તે પૂરાં કરી બતાવ્યું હતું.
પ્રમુખ જો બાયડેનની પણ ભારોભાર પ્રશંસા કરતાં તેઓએ કહ્યું હતું કે 'મેં ચાર વર્ષ સુધી તેઓની સાથે કામ કર્યું છે, તેઓની જેવી બુદ્ધીશાળી અને મુશ્કેલીમાંથી પણ માર્ગ શોધી આપનારી કોઈ વ્યક્તિ મેં હજી સુધી જોઈ નથી.'
ઈઝરાયલને શસ્ત્રો આપવાના બાયડેનના નિર્ણયને પૂરેપૂરો યોગ્ય કહેતાં હેરીસે જણાવ્યું હતું કે, ઈઝરાયલને સ્વરક્ષણનો પૂરેપૂરો અધિકાર છે, અને તેથી જ તેને તમામ સહાય કરવી જ જોઈએ. આ સાથે તેઓએ પેલેસ્ટાઇનની સ્વતંત્રતાની પણ તરફેણ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેઓના શ્યામવર્ણી પૂર્વજ અને તેઓના ભારતીયવંશ અંગે કરેલી તીવ્ર ટીકા વિષે કમલા હેરિસને જ્યારે સંવાદદાતાએ પૂછ્યું કે આ અંગે તમારે શું કહેવાનું છે ? ત્યારે તેનો કટાક્ષયુક્ત સ્મિત સાથે જવાબ આપતાં હેરિસે કહ્યું, આ તો જૂની થાકેલી પ્લેબુકની વાત છે, બીજો કોઈ પ્રશ્ન પૂછો તેઓને ઈઝરાયલ-હમાસ યુદ્ધ સંદર્ભે તેમ કહેવામાં આવ્યું કે તમોએ મૂલ્યો બદલ્યાં છે ત્યારે કહ્યું કે મૂલ્યો બદલાયા જ નથી. પેલેસ્ટાઇનની સ્વતંત્રતા મારે મન સ્વીકાર્ય જ છે, પરંતુ ઈઝરાયલને પોતાનાં સ્વરક્ષણનો પણ પૂરો અધિકાર છે.