ટ્રમ્પ ક્યારે શું કરશે તે કહી શકાય નહીં પરંતુ તેઓ કદાચ યુદ્ધ અટકાવી પણ શકે : ઝેલેન્સ્કી
- ડૉનાલ્ડ ટ્રમ્પ, મજબૂત અને કહી ન શકાય તેવા નેતા છે, આ ગુણો રશિયાનું આક્રમણ રોકાવી પણ દે : યુક્રેન પ્રમુખે ટીવી પર કહ્યું
કીવ : અમેરિકાના નવ નિર્વાચિન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ એક મજબૂત છતાં કહી ન શકાય તેવા માનવી છે. પરંતુ તેઓની તે નીતિ જ રશિયાનું આક્રમણ રોકી શકે તેમ છે. તેમ કહેતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે આમ છતાં લગભગ ૩ વર્ષથી ચાલી રહેલું આ યુદ્ધ, ટ્રમ્પ કહે છે તેમ માત્ર એક જ દિવસમાં બંધ થઈ શકે તેમ નથી. ભલે તેઓએ તેઓના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમ કહ્યું હોય પરંતુ તે સંભવિત નથી. તેમણે વધુમા કહ્યું યુદ્ધની ઉગ્રતા કદાચ ઘટી શકે. ઘણી ઘટી શકે તે શક્ય છે.
ટીવી ઉપર આપેલા એક ઇન્ટરવ્યુમાં યુક્રેનના પ્રમુખે આવી સ્પષ્ટતા પણ કરી હતી.
ઉલ્લેખનીય તે છે કે યુક્રેન પ્રમુખ અમેરિકા સહિત પશ્ચિમનાં રાષ્ટ્રો દ્વારા મળતી સહાય ચાલુ રહે તેમ ઇચ્છે છે. તેઓ નવેમ્બરની ચૂંટણી પહેલાં અમેરિકામાં ટ્રમ્પને મળ્યા પણ હતા.
ગણતરીના જ દિવસોમાં ટ્રમ્પ અમેરિકામાં સત્તાનાં સૂત્રો સંભાળી રહેશે. તે પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપમાં થઇ રહેલાં આ પ્રચંડ સંઘર્ષ કેવો વળાંક લેશે તે જોવા માટે જગત આતુર છે.