સરોગેસી હવે 'યુનિવર્સલ ક્રાઈમ', મેલોની સરકારે લીધો મોટો નિર્ણય, ઇટાલીમાં પ્રતિબંધ મૂકતો કાયદો પસાર
Surrogacy Ban In Italy: ઇટાલીની સરકારે સરોગસી પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે ઇટાલીમાં નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર, ઇટાલિયન નાગરિકો માટે વિદેશમાં પણ સરોગસીનો ઉપયોગ કરવો તે અપરાધ માનવામાં આવશે. આ નવો કાયદો સરોગસીને 'યુનિવર્સલ ક્રાઈમ' બનાવે છે, તેને માનવતા વિરુદ્ધ અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યો છે. આમ તો વર્ષ 2004થી જ આ કાયદો ઇટાલીમાં અસ્તિત્વમાં છે, પરંતુ આ નવો કાયદો સરોગસી પરના નિયંત્રણોને વધુ કડક બનાવે છે.
નવા કાયદા પર PM જ્યોર્જિયા મેલોનીનું નિવેદન
ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કાયદાને 'સામાન્ય જ્ઞાન' તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે તે મહિલાઓ અને બાળકોને 'વ્યાવસાયિકરણ' થી સુરક્ષિત કરશે. જો કે, ઘણા લોકો આ કાયદાને મહિલાઓ અને બાળકોના અધિકારોની વિરુદ્ધ માને છે.
કયા દેશોમાં સરોગસી પર પ્રતિબંધ છે?
સરોગસીને પ્રતિબંધિત કરવાના નિયમો દરેક દેશમાં અલગ અલગ છે. જેમાં અમુક દેશો એવા છે જ્યાં સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેમાં ઇટાલી, ફ્રાંસ, જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે. જયારે યુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત અને યુએસ જેવા દેશોમાં આંશિક પ્રતિબંધ છે, જેમાં સરોગસીની પરવાનગી છે, પરંતુ અમુક શરતો અને નિયંત્રણો લાગુ પડે છે.
ભારતમાં સરોગસીના આવા છે નિયમ
જો ભારતમાં સરોગસીની વાત કરવામાં આવે તો, સરોગસી (રેગ્યુલેશન) એક્ટ, 2021 હેઠળ સરોગસી કંટ્રોલ કરવામાં આવે છે. ભારતમાં કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે, જ્યારે આ કામ મદદ માટે જ થઈ શકે છે. તેમજ વિદેશી કપલ ભારતમાં આવીને સરોગેટ કરી શકતા નથી. સરોગેટ માતા માટે ઘણી શરતો છે, જેમ કે માત્ર નજીકના સંબંધી જ સરોગેટ હોઈ શકે છે, જેમને પહેલેથી જ એક બાળક છે અને જેની ઉંમર 25 થી 35 ની વચ્ચે છે. આ સિવાય ક્લિનિકને એ જણાવવું પણ જરૂરી છે કે તેઓ સરોગસીમાં મદદ કરે છે.