Get The App

ચીનના સૌથી મોટા પ્રોજેક્ટ BRIથી અલગ થયું ઇટાલી, જાણો શું છે તેની પાછળનું સૌથી મોટું કારણ?

2019માં ઇટાલી આ પ્રોજેક્ટ સાથે જોડાયું હતું

ઇટાલી એકમાત્ર મોટો પશ્ચિમી દેશ હતો, જેણે BRI પર હસ્તાક્ષર કર્યા હતા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ચીનના સૌથી મોટા પ્રોજેક્ટ BRIથી અલગ થયું ઇટાલી, જાણો શું છે તેની પાછળનું સૌથી મોટું કારણ? 1 - image


BRI Project: વર્ષ 2019માં ઇટાલી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું હતું. તેમજ ઇટાલી એકમાત્ર મોટો પશ્ચિમી દેશ હતો, જેણે BRI પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ 6 ડિસેમ્બર 2023ના દિવસે ઇટાલિયન સરકારે સત્તાવાર રીતે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પ્રોજેક્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી. રોઇટર્સના અહેવાલ અનુસાર, ઇટાલિયન વહીવટીતંત્રે ચીનને જણાવ્યું કે તેમનો દેશ 2023ના અંત પહેલા આ પ્રોજેક્ટમાંથી બહાર આવી જશે. આવી સ્થિતિમાં ઇટાલીનું આ પ્રોજેક્ટમાંથી ખસી જવું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.

જાણીએ કે BRI પ્રોજેક્ટ શું છે, આ પ્રોજેક્ટમાંથી ઇટાલીના ખસી જવા પાછળનું સૌથી મોટું કારણ શું હોઈ શકે છે અને આ નિર્ણયથી ચીન-ઇટાલીના સંબંધો પર કેવી અસર પડશે...

માર્ચ 2024માં કરાર પૂરો થતા પહેલા જ લીધો આ નિર્ણય

ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRI સાથે ઇટાલી પ્રથમ વખત વર્ષ 2019માં જોડાયું  હતું, તેમજ આ બંને દેશો વચ્ચે માર્ચ 2024માં કરાર પૂરો થવાનો હતો. આથી ઇટાલી તેને રિન્યુ અથવા તો એ પ્રોજેક્ટમાંથી ખસી જવાની સત્તા ધરાવે છે. આ સત્તાનો લાભ ઉઠાવતા ત્રણ મહિના પહેલા ઇટાલીએ ચીનને નોટિસ આપીને પ્રોજેક્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જો ઇટાલીએ આ ન કર્યું હોત, તો આ પ્રોજેક્ટ આવનાર પાંચ વર્ષ માટે ઓટો રિન્યૂ થઈ ગયો હોત.

આ કારણે ઇટાલી કરી પ્રોજેક્ટમાંથી પીછેહઠ

છેલ્લા 10 વર્ષમાં ઇટાલી પણ ત્રણ મંદીનો સામનો કરી ચૂકયું હતું. આથી દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઇટાલી ચીનના BRI પ્રોજેક્ટ સાથે સંકળાયેલું હતું. આ ઉપરાંત ઇટાલી યુરોપિયન યુનિયન સાથે બહુ સારા સંબંધ ધરાવતું ન હતું,. આથી જ ઇટાલી પોતાની અર્થવ્યવસ્થા સુધારવા માટે ચીનના આ પ્રોજેક્ટમાં સામેલ થયું. ચીન સાથેના BRI પ્રોજેક્ટમાં 4 વર્ષ સુધી સંકળાયેલા હોવા છતાં ઇટાલી સરકાર એવું અનુભવી રહી છે કે આ પ્રોજેક્ટથી એમને કોઈ મોટો ફાયદો થયો નથી. 

BRI પ્રોજેક્ટમાં સામેલ થવું અગાઉની સરકારની ગંભીર ભૂલ- મેલોની

આ જાહેરાત પહેલા જ ઈટાલીના વર્તમાન વડાપ્રધાન મેલોનીએ આ દેશને BRI પ્રોજેક્ટ સાથે જોડવાના નિર્ણયને અગાઉની સરકારની ગંભીર ભૂલ ગણાવી હતી. તેણીએ તેના ભાષણો દરમિયાન ઘણી વખત સંકેત પણ આપ્યો છે કે તે આ પ્રોજેક્ટમાંથી ખસી જવાની યોજના બનાવી રહી છે. વર્ષ 2019માં વડાપ્રધાન જિયુસેપ કોન્ટે BRI પ્રોજેક્ટમાં સામેલ થવા માટે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ  વર્ષ 2022માં જ્યોર્જિયા મેલોનીના નેતૃત્વમાં ઈટાલીમાં નવી સરકારની રચના થઈ.

ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ આ બાબતે એવું પણ કહ્યું કે ભલે આ પ્રોજેક્ટને તેઓ રિન્યુ નથી કરતા પરંતુ ચીન સાથેનો તેમનો વેપાર ઓછો નહિ થાય.

BRI પ્રોજેક્ટ શું છે?

BRI પ્રોજેક્ટ ઐતિહાસિક સમયગાળાના સિલ્ક રૂટને ફરીથી બનાવવાના વિચાર સાથે શરૂ કરવામાં આવ્યો હતો.  આ પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને ન્યૂ સિલ્ક રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના દ્વારા ચીન આ નવા સિલ્ક રૂટને ચીન, યુરોપ અને એશિયાના અન્ય દેશો સાથે જોડાવા માંગે છે. BRI પ્રોજેક્ટ અંર્તગત ચીન યુરોપ, એશિયા અને આફ્રિકાના 70 દેશોના દરિયાઈ, રેલ અને રોડ માર્ગને જોડવાનું આયોજન કરી રહ્યું છે. 

BRI ને નવો સિલ્ક રૂટ કેમ કહેવામાં આવે છે?

લગભગ 1,500 વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. 130 થી ઈ.સ. 1453 સુધી, પૂર્વ એશિયા અને યુરોપના દેશોના વેપારીઓ આ માર્ગોનો ઉપયોગ કરતા હતા. તે સમયે, સિલ્ક રૂટ દ્વારા માત્ર વેપાર અને સંસ્કૃતિનું પણ આદાન-પ્રદાન થતું હતું. આ ખ્યાલને ધ્યાને લઈને ચીને વર્ષ 2013માં BRI પ્રોજેક્ટની શરૂઆત કરી. તેમજ આ પ્રોજેક્ટ હેઠળ ચીન અન્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેના મોટા પ્રોજેક્ટમાં રોકાણ પણ કરે છે. જે અંતર્ગત ચીને ઘણા દેશોને લોન પણ આપી છે અને જો તે દેશ લોન પરત કરવામાં નિષ્ફળ રહે તો ચીન તેના બંદરો પોતાના કબજે કરી લે છે.

ઇટાલીના આ નિર્ણયને ભારતના દૃષ્ટિકોણથી પણ સમજો

ભારત હંમેશા BRI વિરુદ્ધ રહ્યું છે. આવી સ્થિતિમાં ઈટાલી દ્વારા આવો કોઈ નિર્ણય લેવો ભારત માટે કોઈ રાહતથી ઓછો નથી. ભારતના વડાપ્રધાને પણ ઘણી વખત જાહેર મંચો પર BRI નો વિરોધ કર્યો છે. આ પ્રોજેક્ટમાં ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન સામેલ છે.

ચીન અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે CPEC પણ BRI પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પણ અનેક બાંધકામો થયા છે. જેનો ભારત વિરોધ કરે છે અને કહે છે કે આવું કરવું આ દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.

આ સિવાય તાજેતરમાં જ UAEમાં આયોજિત COP-28ની સાઈડલાઈન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા નેતાઓને મળ્યા હતા, આ નેતાઓમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ હતા. મેલોનીએ આ મીટિંગની સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સેલ્ફીમાં પીએમ મોદી મેલોની સાથે જોવા મળ્યા હતા, તેણે તસવીરના કેપ્શનમાં નરેન્દ્ર મોદીને 'સારા મિત્ર' ગણાવ્યા હતા.

ઇટાલીના આ નિર્ણયને ભારતના દૃષ્ટિકોણથી પણ સમજો

ભારત ક્યારેય પણ BRI પ્રોજેક્ટના પક્ષમાં રહ્યું નથી. જેના પગલે વડાપ્રધાન મોદીએ પણ ઘણી વખત જાહેરમાં આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. આથી ઇટાલીનો આ નિર્યણ ભારત માટે રાહતના સમાચાર છે. CPEC એટલે કે ચીન અને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર આ BRI પ્રોજેક્ટનો ભાગ છે. જેના અંતર્ગત પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં પણ અનેક બાંધકામ થયા છે. જેથી ભારત તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થતું હોવાથી આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે. 

ચીનના સૌથી મોટા પ્રોજેક્ટ BRIથી અલગ થયું ઇટાલી, જાણો શું છે તેની પાછળનું સૌથી મોટું કારણ? 2 - image


Google NewsGoogle News