ઈટાલીના PM મેલોનીનો ડીપફેક વીડિયો બનાવનાર બાપ-બેટા પોલીસ જબ્બે: મેલોનીએ માંગ્યું અધધ... વળતર
નવી દિલ્હી,તા. 22 માર્ચ 2024, શુક્રવાર
આજકાલ દેશ-દુનિયામાં ડીપફેક વીડિયોનો ત્રાસ વધી ગયો છે. રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો બાદ અનેક લોકોને આ મુદ્દાની સમજ આવી હતી. જોકે હવે ઈટાલીના વડાપ્રધાન આ પ્રકારના ઈન્ટરનેટ ડિજિટલ ક્રાઈમનો શિકાર બન્યા છે. ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીનો ડીપ ફેક પોર્નોગ્રાફી વીડિયો બહાર આવ્યો હતો.
દેશના વડાપ્રધાન પર આ પ્રકારનો વીડિયો બનાવનારને પકડી પાડવા દેશભરની એજન્સીઓ કામે લાગી હતી અને અંતે બે આરોપી પોલીસ જબ્બે ચઢ્યા છે. આ કેસમાં મેલોનીને 2 જુલાઈએ કોર્ટમાં જુબાની આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસમાં બે લોકો આરોપી છે, જેમણે તેણીના ચહેરાનો ઉપયોગ કરીને અશ્લીલ તસવીરો બનાવી અને તેને ઓનલાઈન પોસ્ટ કરી હતી.
મેલોનીએ માંગ્યું અધધ... વળતર
આ પ્રકારના ગુનામાં કોઈ સમાધાન કે વળતર ગ્રાહ્ય જ નથી. માણસની અત્યાર સુધીની ઉભી કરેલી શાખને આ સાયબર ચાંચિયાઓ ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરડી રહ્યાં છે. ડીપફેકનો ભોગ બનેલા ઈટાલી પીએમ મેલોનીનો આરોપ છે કે તેમનો ડીપફેક વીડિયો અને ફોટો તેમની સંમતિ વિના બનાવવામાં આવ્યો હતો અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મેલોનીએ આ કેસમાં અંદાજે 100,000 યુરોની નુકસાની માંગણી કરી છે. જોકે આ પૈસા તેઓ પોતાના પાસે નથી રાખવા માંગતા. તેઓ આ વળતરની રકમ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે ગૃહ મંત્રાલયના ફંડમાં દાન કરશે.
ડીપફેક વીડિયો બનાવીને દુરુપયોગ કર્યો
મહત્વની વાત એ છે કે આ ઘટના એવા સમયે બની હતી જ્યારે મેલોની વડાપ્રધાન બન્યા ન હતા. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે આ કામમાં એક પિતા અને પુત્ર સામેલ હતા, જેમણે કથિત રીતે યુએસ સ્થિત પોર્ન સાઇટ પર ડીપ ફેક તસવીરો અપલોડ કરી હતી. આ ઘટના વર્ષ 2020 દરમિયાન બની હતી, જ્યારે મેલોની બ્રધર્સ ઑફ ઇટાલીની પાર્ટીના વડા હતા.
મેલોનીએ આગળ આવીને ડીપફેકનો વિરોધ કરીને સમાજમાં એક સારો સંદેશો મોકલ્યો છે. તજ્જ્ઞોના મતે મેલોનીનો કેસ ચલાવવાનો નિર્ણય ડીપફેક અને આવા અન્ય દુરુપયોગનો ભોગ બનેલી મહિલાઓને ફરિયાદ નોંધાવવા માટે નીડર થઈ આગળ આવી ફરિયાદ લખાવવાનો મજબૂતીભર્યો સંદેશ આપશે.