ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પાર્ટનર એન્દ્રિયાથી અલગ થયાં

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પાર્ટનર એન્દ્રિયાથી અલગ થયાં 1 - image


- બંનેને પહેલી નજરમાં પ્રેમ થયો હતો : દસ વર્ષથી રિલેશનશિપમાં હતાં

- એન્દ્રિયાએ મને બહુ સાથ આપ્યો, અમે સાથે ખરાબ સમય પણ પસાર કર્યો, તેણે મને દીકરી જીનેવરા આપી તે બદલ આભાર : જ્યોર્જિયાની પોસ્ટ 

રોમ : ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પાર્ટર એન્ડ્રિયા જીમ્બ્રુનોથી અલગ થવાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગેની જાહેરાત કરતાં જ્યોર્જિયાએ લખ્યું હતું કે ૧૦ વર્ષનો સંબંધ હવે પૂરો થવા જઈ રહ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી અમારા રસ્તા અલગ થઈ ગયા હતા. હવે એની જાણકારી આપવાનો સમય થઈ ગયો હતો.

જ્યોર્જિયા મેલોની અને એન્ડ્રિયા જીમ્બ્રુનો છેલ્લાં ૧૦ વર્ષથી રિલેશનશિપમાં હતા. એ સંબંધના કારણે તેમને સાત વર્ષની દીકરી જીનેવરા પણ છે. બંને વચ્ચે છેલ્લાં થોડા સમયથી અણબનાવ હતો. ખાસ તો એન્ડ્રિયાએ ટીવી ડિબેટ દરમિયાન રેપના સંદર્ભમાં જે ટીપ્પણી કરી તેનાથી જ્યોર્જિયાની પણ ભારે ટીકા થઈ હતી. એન્ડ્રિયા ઈટાલીના જાણીતા ટીવી પત્રકાર અને પ્રેઝન્ટર છે. જ્યોર્જિયા મેલોની જી-૨૦ સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા ત્યારે તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.બંને વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે ખુદ જ્યોર્જિયા મેલોનીએ એક્સ પ્લેટફોર્મમાં પોસ્ટ લખીને આ અંગેની જાણકારી હતી. જ્યોર્જિયાએ લખ્યું હતું: એન્ડ્રિયા જીમ્બ્રુનો સાથે ૧૦ વર્ષના મારા સંબંધો પૂરા થઈ ગયા છે. સાથે વીતાવેલી અદ્ભુત ક્ષણોને હું યાદ રાખીશ. અમે એક સાથે મુશ્કેલીનો સામનો કર્યો એ પણ ક્યારેય ભૂલીશ નહીં. અને સૌથી મહત્ત્વની બાબત એ કે એન્ડ્રિયાએ મને આપેલી મારી વહાલી દીકરી જીનેવરા મારા માટે સૌથી મૂલ્યવાન છે. હું એના માટે ખાસ આભાર માનીશ. અમારા રસ્તા ઘણાં સમયથી અલગ થઈ ગયા હતા. હવે એને સ્વીકારવાનો સમય આવી ગયો છે. અમે જે સમય સાથે પસાર કર્યો એને હું સંભાળીને રાખીશ. અમે દોસ્ત રહીશું. હું કોઈ પણ કિંમતે મારી સાત વર્ષની દીકરીની સંભાળ રાખીશ. એ એના મા-બાપ બંનેને પ્રેમ કરે છે. હવે હું આ મુદ્દે વધુ વાત નહીં કરું.

એન્ડ્રિયાના કેટલાક રેકોર્ડિંગ્સ સામે આવ્યા હતા, જેના કારણે પણ બંને વચ્ચે અણબનાવ થયો હતો. એક રેકોર્ડિંગમાં એ સહકર્મચારીને તે કહે છે- તું મને પહેલાં કેમ ન મળી. તે સિવાય પણ એની એક-બે ટીપ્પણીના કારણે વિવાદ થયો હતો. તેનું અફેર અન્ય મહિલા સાથે ચાલતું હોવાના અહેવાલો પણ આવતા રહેતા હતા.


Google NewsGoogle News