નર્કાગાર થઈ જશે, જો બંદીવાનોને 20મી જાન્યુ. પહેલા નહીં છોડો તો : હમાસને ટ્રમ્પનું આખરીનામું
- હજી સુધી માત્ર વાતો જ થઈ છે, પગલાં લેવાયા નથી 20 જાન્યુ. પછી પગલાં લેવાશે તે યાદ રાખજો
વોશિંગ્ટન : હમાસે બંદી રાખેલાઓને મુક્ત કરવાનું તેમને જણાવતાં અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આખરીનામું આપતાં જણાવ્યું હતું કે, ૨૦મી જાન્યુઆરી પહેલા બંદીવાનોને મુક્ત કરી દો નહીં તો (ગાઝાપટ્ટી) નર્કાગાર બની જશે.
૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ વિધિવત્ અમેરિકાના પ્રમુખ તરીકેની કાર્યવાહી સંભાળી લેશે. તેઓએ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર હમાસને આખરીનામું આપતાં કહ્યું હતું કે, હજી સુધીમાં (બંદીવાનોની મુક્તિ માટે) માત્ર વાતો જ થઈ છે. પરંતુ ૨૦મી જાન્યુઆરી ૨૦૨૫ના દિને હું ગૌરવભેર પ્રમુખપદનો અધિકાર સંભાળીશ પછી તો તમારી ઉપર તૂટી જ પડીશ. તેઓએ વધુમાં કહ્યું, ત્યાં પરિસ્થિતિ હિંસક અને અમાનવીય બની ગઈ છે. બંદીવાનો પ્રત્યે અમાનુષ ક્રૂરતા દાખવવામાં આવે છે છતાં હજી સુધી માત્ર વાતો જ થઈ છે. કોઈ પગલા લેવાયા જ નથી.
બધા જ બંદીવાનો પ્રત્યે કરાતા હિંસક અને અમાનવીય વર્તાવની વાત કરે છે. સમગ્ર વિશ્વમાં મધ્યપૂર્વની આ સ્થિતિની ચર્ચા થાય છે. પરંતુ તે બધી ચર્ચાઓ જ છે. કોઈ કશા પગલાં લેતું જ નથી પરંતુ હવે કઠોર પગલાં લેવાશે. હમાસને પ્રચંડ માર પડશે. માટે બંદીવાનોને અત્યારે જ મુક્ત કરી દો તેમ નવનિવાર્ચિત પ્રમુખે હમાસને આખરીનામું આપતાં સોશ્યલ મિડીયા પર જણાવ્યું હતું.
૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિને હમાસે દક્ષિણ ઈઝરાયલમાં અચાનક હુમલો કરી આશરે ૧૨૦૦ની હત્યા કરી હતી અને ૨૫૦ને અપહૃત કર્યા હતા. તે અપહૃતો પૈકી અત્યંત વૃદ્ધ અને બિમારોને મુક્ત કર્યા હતા હવે ૧૦૦ જેટલા બંદીવાનો તેમના હાથમાં છે.
૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિને ઈઝરાયલ ઉપર થયેલા આ હુમલા પછી ઈઝરાયલે કરેલા વળતા આક્રમણને લીધે ૪૫૦૦૦ જેટલા પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે, તે સર્વવિદિત છે.