''શ્રીલંકાની સ્થિરતા માટે ભારતની સહાય જ કામયાબ નીવડી છે તેમ કહેવું વધુ પડતું નથી''
- શ્રીલંકાના વિદેશ મંત્રીની મુક્ત મને સ્વીકૃતિ
- ''ભારતે અનિવાર્ય તેવી આયાતો માટે અમોને અમેરિકી ડૉલર ચાર અબજની સહાય કરી છે : અલિ સાબ્રી''
કોલંબો: માલદીવ અને શ્રીલંકાના ટાપુ રાષ્ટ્રોની મુલાકાતે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકર, માલદીવથી શ્રીલંકાની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન તેઓએ શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબ્રી, પ્રમુખ રેનીલ વિક્રમ સિંઘે સહિત દેશના ટોચના અગ્રણીઓની મુલાકાત લીધી હતી.
તેમાથી શ્રીલંકાના વિદેશ મંત્રી અલિ સાબ્રી સાથેની મંત્રણા દરમિયાન સાબ્રીએ ખુલ્લાં મને જણાવ્યું કે શ્રીલંકાની આર્થિક સ્થિરતા માટે ભારતની સહાય જ કામયાબ નીવડી છે.
બંને વિદેશ મંત્રીઓએ પારસ્પરિક સંબંધો અને પ્રાદેશિક હિતો અંગે પણ મંત્રણાઓ કરી હતી. શ્રીલંકાના વિદેશ મંત્રીએ ભારતે કરેલી ૪ અબજ ડૉલરની સહાય માટે તો આભાર માન્યો જ હતો, સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પણ ભારોભાર આદર દર્શાવ્યો હતો.
પોતાની આ મુલાકાતને સફળ જણાવતાં એસ. જયશંકરે ટ્વિટ પર જણાવ્યું હતું કે મારી અને અલિ સાબ્રી તથા અન્ય મંત્રીઓ સાથે સવિસ્તર મંત્રણા યોજાઈ હતી. તેમાં શ્રીલંકાની પાયાની જરૂરિયાતો, પરસ્પર વચ્ચેના સંપર્કો વધારવા અંગે તથા ઊર્જા, ઉદ્યોગો અને આરોગ્ય સેવાઓ વિષે પણ ચર્ચા થઈ હતી.
જયશંકરે વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે પણ મંત્રણા યોજી હતી. આ પૂર્વે પ્રમુખ વિક્રમ સિંઘેએ જણાવ્યું હતું કે દેવાં ચુકવણીના હપ્તાઓમાં ફેરફાર કરવા માટે પણ ભારત સાથેની મંત્રણા સફળ રહી છે.
આ પૂર્વે મંગળવારે કેન્દ્રના નાણાં મંત્રાલયના એડીશનલ સેક્રેટરી રજતકુમાર મિશ્રએ આઈ.એમ.એફ.નાં પ્રમુખ ક્રીસ્ટેલીના જ્યોર્જીવાને ભારત તરફથી શ્રીલંકાને કરાયેલી સહાય વિષે પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક તરફ ચીન તેના પાડોશી ટાપુ રાષ્ટ્ર તાઈવાનને તબડાવી, દબડાવી, ભયભીત કરી પોતાની સાથે જોડાવા માટે જોર કરી રહ્યું છે. ત્યારે ભારત તેની તદ્દન નજીક રહેલા ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાને સહાય કરી; ફ્રૂડ તેલ, અન્ન અને અન્ય ક્ષેત્રમાં પણ આર્થિક સહાય કરી કારમી મુશ્કેલીમાંથી ઉગારી રહ્યું છે. ભારતની આ કાર્યવાહીની આઈ.એમ.એફ. દ્વારા પણ પ્રશંસા થઈ રહી છે. ભારતના વિત્ત મંત્રી સીતારામન્ આઈ.એમ.એફ.ની મુલાકાતે ગયા હતા તે સમયે જ શ્રીલંકાના વિત્તમંત્રી પણ ત્યાં પહોંચી ગયા, ત્યારે સીતારામને જ આઈ.એમ.એફ.ને અનુરોધપુર્વક શ્રીલંકાને વધુ સહાય કરવા જણાવ્યું હતું. ત્યારે ફ્રિસ્ટેલીના જ્યોર્જીવાએ પણ ભારતે શ્રીલંકાને કરેલી સહાયની પ્રશંસા કરવા સાથે તે ટાપુ રાષ્ટ્રને બને તેટલી વધુ સહાય કરવા વચન આપ્યું હતું.