'મારા ધર્મે જ મને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા પ્રેરિત કર્યો છે' વિવેક રામાસ્વામી
ઈશ્વરે આપણને એક હેતુસર મોકલ્યા છે
'હૂં એક હિન્દુ છું એક સાચા ઈશ્વરમાં શ્રધ્ધા રાખું છું, આપણે બધા જ ઈશ્વરે મોકલેલા માનવીઓ છીએ'
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ હિન્દુ ધર્મ વિષે કરેલા વિધાનો ચર્ચામાં આવી ગયાં છે. 'ધી ડેઈલી સિગ્નલ' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓને પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું, 'હિન્દુ ધર્મે જ મને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા પ્રેરિત કર્યો છે, તેથી હું આ ચૂંટણી લડી રહ્યો છું. હિન્દૂ ધર્મે જ મને નૈતિક જવાબદારીઓ સમજાવી છે.'
તેઓએ વધુમાં કહ્યું, 'હું એક હિન્દુ છું એક સાચા ઈશ્વરમાં શ્રધ્ધા રાખું છું. મારૂં માનવું છે કે, ઈશ્વરે આપણને એક ખાસ હેતુસર મોકલ્યા છે, તે ઉદ્દેશ્યને સાકાર કરવો તે આપણું નૈતિક કર્તવ્ય છે.' આપણે સર્વે એક સમાન છીએ કારણ કે આપણા સર્વેમાં ભગવાન વસેલો છે. આ વાત જ અમારા ધર્મનું મૂળ છે.
વિવેક રામાસ્વામીએ વધુમાં કહ્યું, 'હું એક પરંપરાગત કુટુમ્બમાં જન્મ્યો છું. મારા માતા-પિતાએ મને શિખવાડયું હતું કે, કુટુમ્બર જ આપણી આધારશિલા (પાયો) છે.' સૌએ માતા-પિતાનું સન્માન કરવું જોઈએ. લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન પહેલાં પૂરો 'સંયમ' રાખવો જોઈએ પછી પણ 'સંયમિત' જીવન જીવવું જોઈએ. લગ્ન પુરૂષ અને મહિલા વચ્ચે જ હોઈ શકે. (આ રીતે તેઓએ 'ગે-મેરેજીઝ'નો વિરોધ દર્શાવ્યો છે) સામાન્યતઃ લગ્ન વિચ્છેદ થવો જ ન જોઈએ, પુરૂષ અને મહિલા ઈશ્વર સમક્ષ લગ્ન કરે છે. ઈશ્વર સમક્ષ પોતાના કુટુમ્બની સુખાકારી માટે શપથ લે છે.
તેઓએ વધુમાં જણાવ્યું 'હું ૧૦મા ધોરણમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ગયો. ત્યાં હું ૧૦ આજ્ઞાાઓ (ટેન કમાન્ડ મેન્ટસ) ભણ્યો. (૧) ઈશ્વર સત્ય છે, (૨) ઈશ્વર એક જ છે. (૩) અકારણ તેઓનું નામ ન લો (૪) માતા-પિતાનું સન્માન કરો (૫) અસત્ય ન બોલો (૬) ચોરી ન કરો (૭) વ્યભિચાર ન કરો. વગેરે આ બધું હું ઘણો નાનો હતો ત્યારથી શિખ્યો છું. મને લાગે છે કે આ શિક્ષણ માત્ર ખ્રિસ્તીઓ માટે જ નથી, તે માનવ માત્ર માટે છે. હિન્દુઓ માટે પણ છે.'
આ ઉપરથી કોઈને લાગે કે હું ક્રિશ્ચિયાનીટી પ્રમોટ કરીશ ? તો ઉત્તર છે 'બિલ્કુલ નહીં', તે માટે કોઈ કારણ પણ નથી મને લાગે છે કે મારૂં કર્તવ્ય આ મૂલ્યો અને આ સિદ્ધાંતો માટે ઊભા રહેવાનું છે, અને હું તેમ જ કરીશ.