આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને અન્ન સુવિધા અંગેની બેઠકમાં આ મુદ્દો ઉછાળવો અર્થહીન છે : રાજેશ પરિહાર
- જ.કા. અને લડાખ ભારતના ભાગ હતા, છે અને રહેશે જ
- બિલાવલ ભુટ્ટોએ યુનોની સલામતી સમિતિમાં કાશ્મીર પ્રશ્ન ઊઠાવતાં ભારતે સખત વિરોધ કર્યો
યુનો : જમ્મુ અને કાશ્મીર અંગે બિલાવલ ભુટ્ટોએ કરેલી અકારણ ટીકાનો બરોબરનો વળતો જવાબ આપતાં યુનોના સલામતી સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજેશ પરિહારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને અન્ન સુવિધા અંગેની આ બેઠકમાં આ મુદ્દો ઉછાળવો અર્થહીન છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ દરેક ભૂમિકાએ દરેક બાબતોની ચર્ચા સમયે ભારત વિરૂધ્ધ જૂઠાણાંભર્યો અને ખોટો પ્રચાર કરી રહ્યા છે.
સલામતિ સમિતિની આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતનાં સંવિધાનમાંથી દૂર કરાયેલી ૩૭૦મી કલમ તથા જમ્મુ અને કાશ્મીરમાં મત વિસ્તારોનાં પુર્નઅંકનનો મુદ્દો ઊઠાવ્યો ત્યારે પ્રત્યુત્તર આપવાના અધિકારનો ઉપયોગ કરી ભારત સ્થાયી પ્રતિનિધિ રાજેશ પરિહારે સ્પષ્ટત: જણાવ્યું હતું કે, તે ભારતની આંતરિક બાબત છે. જેની આ બેઠકમાં ચર્ચા કરી જ શકાય નહીં. સાથે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર તથા લડાખ ભારતના આંતરિક ભાગો જ હતા, છે અને રહેશે જ. તેમાં પાકિસ્તાને ગેરકાયદે કબજો કરેલો વિસ્તાર પણ આવૃત્ત છે અને ગમે તેટલી રાજકીય ચર્ચાઓ કે પ્રચાર કોઇ પણ દેશ તરફથી કરવામાં આવે છતાં તે વાસ્તવિકતામાં કશો ફેરફાર થઇ શકશે નહિં. આ સાથે તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાને કોઈ પણ પ્રદાન કરવું હોય તો તે રાજ્યાશ્રિત ત્રાસવાદ બંધ કરીને કરી શકે તેમ છે. બાકીની તેઓની ટીકા પ્રત્યે તો અમે તુચ્છકારથી જ જોઈએ છીએ, કારણ કે, તે તેને જ યોગ્ય છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો, વિદેશ મંત્રી થયા પછી પહેલી જ વાર અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે ન્યૂયોર્કમાં પણ એક પત્રકાર-પરિષદને સંબોધતાં તેઓએ કહ્યું હતું કે, ઓગષ્ટ ૫, ૨૦૧૯ના દિવસે ભારતે તેનાં સંવિધાનમાંથી કલમ ૩૭૦ દૂર કરી અને જમ્મુ અને કાશ્મીરમાં મત વિસ્તારની પુનર્રચના કરવાના ભારતના નિર્ણયે પરિસ્થિતિને વધુ ગૂંચવી છે તે યુનો ઉપરનાં તેમજ જીનીવા સમજૂતી ઉપરના આક્રમણ સમાન છે.