ISROનો SpaceX સાથે કરાર, ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરાશે સેટેલાઈટ GSAT-20

GSAT-20 કે જેનું ટૂંક સમયમાં જ નવું નામ GSAT-N2નું રાખવામાં આવશે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ISROનો SpaceX સાથે કરાર, ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરાશે સેટેલાઈટ GSAT-20 1 - image


GSAT-20 satellite : ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ (ISRO) અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) સાથે કરાર કર્યો છે જેમાં ઈસરોના 4.7 ટનના સેટેલાઈટ જીસેટ-20 (GSAT-20) જેનું ટૂંક સમયમાં જ નવું નામ જીસેટ એન2 (GSAT-N2) રાખવામાં આવશે તે સ્પેસએક્સના રોકેટ ફાલ્કન-9 રોકેટ દ્વરા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને આ વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની યોજના છે.

ફાલ્કન-9 રોકેટ 8,300 કિલોગ્રામ વજનના સેટેલાઇટને જીટીઓ સુધી પહોંચાડી શકે

ભારતીય સ્પેસ એજન્સીની વ્યાપારી શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિ. (NSIL)એ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વધારે ક્ષમતા વાળા સેટેલાઈટનો હેતુ ભારતના બ્રોડબેન્ડ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવાનો છે, ખાસ કરીને દેશના એવા વિસ્તારોમાં કે જ્યાં હજુ પણ બ્રોડબેન્ડથી અનકનેક્ટેડ છે. આ સેટેલાઈટનું  વજન 4,700 કિગ્રા છે, જે ISROની વર્તમાન સર્વોચ્ચ અવકાશયાન પ્રક્ષેપણ ક્ષમતા 4,000 કિગ્રા કરતાં વધુ છે. ISRO પાસે હાલમાં સૌથી વધુ ક્ષમતાવાળા રોકેટ GSLV-MK3 છે જે 4 હજાર કિલો વજનના સેટેલાઈટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં લઈ જઈ શકે છે. GSAT-20નું વજન આ ક્ષમતા કરતા 700 કિલો વધુ છે. આ જ કારણ છે કે ઈલોન મસ્કની સ્પેસ એજન્સી સ્પેસએક્સની સેવાઓ પ્રથમવાર લેવામાં આવી રહી છે. ફાલ્કન-9 (falcon-9) રોકેટ 8,300 કિલોગ્રામ વજનના સેટેલાઇટને જીટીઓ સુધી પહોંચાડી શકે છે.

ISRO 10 ટનની ક્ષમતાવાળું રોકેટ બનાવી રહ્યું છે

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ લાંબા સમય સુધી વિદેશી રોકેટ પર નિર્ભર રહેવું પડશે નહીં. કેમકે હાલના રોકેટની ક્ષમતા કરતા આગળ વધીને નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV) વિકસાવવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NGLV પાસે 10 હજાર કિલો વજનના સેટેલાઈટ અથવા ઉપકરણોને GTO સુધી લઈ જવાની ક્ષમતા હશે.

NSIL પાસે GSAT-20ની સંપૂર્ણ માલિકી હશે

NSILએ આ અંગે જણાવતા કહ્યું કે તેની પાસે 48 ગીગાબિટ્સ પ્રતિ સેકન્ડ (GBPS)ની ક્ષમતાવાળા હાઇ થ્રુપુટ સેટેલાઇટ (HTS) GSAT-20ની સંપૂર્ણ માલિકી હશે અને તે તેનું સંચાલન અને ફાઈનાન્સ પણ કરશે. કા-બેન્ડના આ સેટેલાઈટ હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી અને ડિજિટલ વીડિયો તેમજ ઑડિયો ટ્રાન્સમિશન પ્રદાન કરવામાં સક્ષમ છે. તેનું કવરેજ આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ લક્ષદ્વિપ સહિત સમગ્ર ભારતમાં હશે.

ISROનો SpaceX સાથે કરાર, ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરાશે સેટેલાઈટ GSAT-20 2 - image


Google NewsGoogle News