ઇરાનમાં ઇઝરાયેલના વૉકી ટૉકી બ્લાસ્ટનો ખોફ, સૈનિકોને ડિવાઇસથી દૂર રહેવા આપી ચેતવણી
સૈનિકોને કોઇ પણ પ્રકારના સંચારયંત્રનો ઉપયોગ નહી કરવાની સલાહ
રિવોલ્યૂશનરી ગાર્ડસ દ્વારા તમામ ઇલેકટ્રોનિકસ ડિવાઇસિસની તપાસ શરુ
તહેરાન,૨૪ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર
લેબનોનમાં હિજબુલ્લાહના આતંકીઓ પર ઇઝરાયેલ દ્વારા અભૂતપૂર્વ પેજર અને વૉકી ટૉકી બ્લાસ્ટ થયા પછી ઇરાનમાં પણ ચિંતા પ્રસરી છે. વિશ્વમાં પ્રથમવાર ડિજિટલ પધ્ધતિથી હુમલો કરીને ઇઝરાયેલે પોતાની સંચાર સૂઝ અને સંશોધનનો પરિચય આપ્યો છે. ઇઝરાયેલના સંચાર યુધ્ધ તકનિકે કટ્ટર વિરોધી ઇરાનને ડરાવી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાનની સેનાના રિવોલ્યૂશનરી ગાર્ડસ દ્વારા પોતાના સૈનિકોને કોઇ પણ પ્રકારના સંચારયંત્રનો ઉપયોગ નહી કરવાની સલાહ આપી છે
એટલું જ નહી ઇઝરાયેલના ખોફથી ડરેલા રિવોલ્યૂશનરી ગાર્ડસ દ્વારા તમામ ઇલેકટ્રોનિકસ ડિવાઇસિસની તપાસ શરુ કરવામાં આવી છે. આ તપાસ કોઇ પણ પ્રકારના વિજાણુ હુમલાને ખાળવા અને ટાળવાના ભાગરુપે છે. ઇરાનના સુરક્ષા અધિકારીઓએ સમાચાર માધ્યમોને માહિતી આપી હતી કે મોટા ભાગના ઇલેકટ્રોનિક ડિવાઇસ ઘર આંગણે જ તૈયાર કરવામાં આવ્યા છે અથવા તો ચીન કે રશિયાથી લાવવામાં આવ્યા છે. રિવોલ્યૂશનરી ગાર્ડસના જેટલા પણ જવાનો પાસે ડિવાઇસ છે તે તમામ બારિકાઇથી ચેક કરવામાં આવી રહયા છે. ઇઝરાયેલી ગેજેટસ લેબેનોન જેવી કોઇ હરકત ના કરે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.