સીરિયાના ગોલન હાઈટ્સ પર ઈઝરાયલના કબજા સામે યુરોપ અને એશિયાના દેશોનો સજ્જડ વિરોધ
Syria vs Israel War Updates | સીરિયામાં બશર અલ અસદની સત્તા ઉખડી જવાની સાથે જ હમાસ હિઝબુલ્લાહ સાથે લડવામાં રોકાયેલા ઇઝરાયેલે આશ્ચર્યજનક રીતે સીરિયા તરફ દોટ લગાવી છે અને ઇઝરાયેલ-સીરિયા વચ્ચેના બફર ઝોનમાં ઘૂસીને ગોલન હાઇટ્સ પરનો કબ્જો મેળવી લેતા આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે. તેમાં પણ ઇઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહુએ તેને હવે ઇઝરાયેલનો ભાગ ગણાવતા ઘેરા આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાત પડયા છે. તેની સાથે ઇઝરાયેલ હવે ગોલન હાઇટ્સ પરનો કબ્જો કાયમ રાખે તેવી સંભાવના વધી છે.
ઇઝરાયેલે સીરિયા પરના હુમલા છતાં પણ ગાઝામાં હમાસ પર ત્રાટકવાનું બંધ કર્યું નથી. ગાઝામાં કરેલી એર સ્ટ્રાઇકમાં કુલ 30ના મોત થયા હતા અને અનેક ઇજા પામ્યા છે. હવે ફક્ત અહીં સવાલ એટલો છે કે ઇઝરાયેલ હવે ગાઝાને કેટલું ખેદાનમેદાન કરશે. તે માનવતાવાદી સહાયને પણ અટકાવી રહ્યુ છે.
ઇઝરાયેલે સીરિયા પર છેલ્લા 48 કલાકમાં 350 મિસાઇલ ઝીંકી દીધી છે. તેણે સીરિયાના મહત્ત્વના નૌકાદળ મથકો, બંદરો, અલ બાયદા અને લાતાકિયાને લક્ષ્યાંક બનાવ્યા છે. તેમા તેના ૧૫થી વધુ જહાજ ખતમ થઈ ગયા છે. ઇઝરાયેલે આ હુમલાને પોતાની સુરક્ષા માટે કરેલા હુમલા ગણાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ભવિષ્યમા સીરિયા તરફથી કોઈ હુમલો ન આવે તે માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. પણ આંતરરાષ્ટ્રીય મંચ પર આ હુમલાના ઇરાદા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇઝરાયેલ સીરિયાની નબળી સ્થિતિ જોતાં ગોલન હાઇટ્સને છોડે તેમ લાગતું નથી. નેતન્યાહુએ તો રીતસરનો તેને ઇઝરાયેલનો વિસ્તાર જ જાહેર કરી દીધો છે.
ગોલન હાઇટ્સ સીરિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે. આ પર્વતમાળા પર કબ્જો હોવાનો સીધો અર્થ એમ થાય કે ઇઝરાયેલ ત્યાંથી સીરિયા, લેબનોન અને જોર્ડન સહિત બધા પર નજર રાખી શકશે. તેની સાથે મધ્યપૂર્વમાં તેનો હાથ ભાવિ યુદ્ધની સંભાવનાઓની સ્થિતિમાં હંમેશા ઉપર રહેશે. આ પહેલા ૧૯૬૭ન યુદ્ધમાં ગોલન હાઇટ્સ ઇઝરાયેલે જીતી લીધી હતી, જે તેણે 1974માં થયેલી સંધિ હેઠળ સોંપી દેવી પડી હતી. હવે તે તેને ફરીથી સોંપવાનો ઇરાદો ધરાવતું નથી. ઇઝરાયેલની વર્તમાન કાર્યવાહીને ગોલન હાઇટ્સ પર કબ્જો જમાવવાની તેની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે.