હમાસ અને હીઝબુલ્લાહ જેવા હાલ થશે ઈઝરાયેલની હુથીઓને આખરી ચેતવણી
- હુથીઓએ ઈઝરાયલ પર બે મિસાઇલ્સ છોડયા તે પછી યુ.એન. સ્થિત ઈઝરાયેલી રાજદૂતે હુથીને ખુલ્લી ધમકી આપી
યુએન/તેલ અવિવ : યુએન સ્થિત ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને અમનના હૂથી આતંકીઓને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો ફરીથી ઈઝરાયલ પર હુમલો કરાશે તો તમારા હાલ પણ હમાસ, હિઝબુલ્લાહ અને અસદ્ જેવા થશે.
ઈરાન સમર્થિત હુથીઓ હમાસના ટેકેદારો છે. તેમને યુએન સલામતી સમિતિમાં હાલ ચૂંટાયેલા સભ્ય તરીકે હાજર રહેલા ઈઝરાયલી રાજદૂતે હુથીને આપેલી કડક ચેતવણીમાં કહ્યું હતું કે, તે ભૂલશે નહીં કે ઈઝરાયલ માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પરંતુ પશ્ચિમ એશિયામાં કે મધ્ય એશિયામાં અમે ધાર્યા નિશાન ઉપર ધાર્યો હુમલો કરી શકીએ તેમ છીએ. ઈઝરાયલ ઈરાનની કોઈ પણ પ્રકારની હરકત ચલાવી નહીં લે. આથી હુથીની તે હાલત થઈ જશે, જેવી હાલત ગાઝાપટ્ટીમાં અને વેસ્ટબેન્કમાં હમાસ અને તેના સાથી દળોની થઈ. લેબેનોનમાં હીઝબુલ્લાહની થઈ અને સીરીયામાં બશર અલ અસદની થઈ.
આ ઉપરાંત ઈઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેમણે અમનથી તેલ અવીવ ઉપર છોડવામાં આવેલાં બે મિસાઇલ્સને તોડી પાડયાં હતાં. જોકે તેથી સંપૂર્ણ દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. હુથીઓએ આ બે મિસાઇલ્સ પૈકી એક બેનગુરીયન એરપોર્ટ પર નોંધવામાં આવ્યું હતું જ્યારે બીજું પાવર સ્ટેશનને ટારગેટ કરી છોડવામાં આવ્યું હતું તે મિસાઇલ્સ 'ઝૂલ્ફીકાર' પ્રકારનાં હાઈપર સોનિક મિસાઇલ્સ હતાં.