ઈઝરાયલના ગાઝા પર હુમલા યથાવત, પવિત્ર રમઝાન માસના પહેલા દિવસે 67ના મોત
Image Source: Twitter
Israels Attacks on Gaza : પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે. રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઈઝરાયલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઈનમાં ઈઝરાયલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31000ને પાર કરી ગઈ હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
ઈઝરાયલની કાર્યવાહીના કારણે રમઝાન મહિનામાં પણ ગાઝામાં અંધકાર, ભૂખમરો અને ચારે તરફ બેહાલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આવી સ્થિતિમાં પણ લોકોએ રોઝા રાખવાનું શરુ કર્યું છે.
પેલેસ્ટાઈનમાં ઈઝરાયલી હુમલાના કારણે માનવીય સંકટ ઘેરુ બની રહ્યું છે. અમેરિકા, કતાર અને ઈજિપ્તને આશા હતી કે, રમઝાન મહિના પહેલા યુદ્ધ વિરામ થશે અને તેના ભાગરુપે ઈઝરાયલની જેલોમાં પુરાયેલા પેલેસ્ટાઈનના લોકો તેમજ હમાસે બંધક બનાવેલા ઈઝરાયલી નાગરિકોની અદલા બદલી થશે પણ એવુ શક્ય નથી બન્યું. હવે તો રમઝાન મહિનો શરુ પણ થઈ ગયો છે ત્યારે ઈઝરાયલે હુમલા નહીં રોક્યા હોવાથી યુદ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની ચૂકી છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રમઝાનના પહેલા દિવસે 67 લોકોના મોત થયા છે અને તેમાં 75 ટકા મહિલાઓ અને બાળકો છે.