ફરી એકવાર શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હુમલા, 57ના મોત, યુદ્ધ પછીના પ્રસ્તાવ પર 5 દેશો સંમત
ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન ચોથી વખત ઈઝરાયેલ પહોંચ્યા હતા
Israel vs Hamas war | ઈઝરાયલી સૈન્ય દ્વારા ગાઝા પર ભીષણ બોમ્બમારો યથાવત્ રહ્યો હતો. અરબ દેશોનો મેસેજ લઈને ઈઝરાયલ આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરી હતી. તે ગાઝા યુદ્ધ પછીના ભવિષ્યની યોજના બનાવી રહ્યા છે. જ્યારે ઈઝરાયલી સૈન્ય સંકટગ્રસ્ત ક્ષેત્રમાં આક્રમક રીતે આગળ વધી રહી છે.
ઈઝરાયલ પર યુએનનો આરોપ
ઈઝરાયલના ભીષણા બોમ્બમારામાં ફરી એકવાર શરણાર્થી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લાં 24 કલાકમાં ગાઝામાં 57 જેટલાં પેલેસ્ટિનીઓ જીવ ગુમાવી ચૂક્યા છે. તેમને પોતાના માટે સુરક્ષિત સ્થાન જ મળી રહ્યા નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ટીમે ઈઝરાયલ પર પીડિતોને મદદ કરવામાં અવરોધ પેદા કરવાનો આરોપ મૂક્યો હતો.
ગાઝા યુદ્ધ બાદ શું છે પ્રસ્તાવ?
ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન ચોથી વખત ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેઓ સંદેશો લઈને ગયા છે કે યુદ્ધ પછી ગાઝાના પુનઃનિર્માણમાં મદદ કરવા માટે જોર્ડન, કતાર, સંયુક્ત અરબ અમીરાત(યુએઈ), સાઉદી અરેબિયા અને તૂર્કીનું સમર્થન મેળવી લીધું છે. પરંતુ હમાસ હારી જાય તો ગાઝા પર સંચાલન કોણ કરશે તેને લઈને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ભારે મતભેદ દેખાઈ રહ્યા છે. જો વર્તમાન શાસકો પરાજિત થાય તો ગાઝાને કેવી રીતે ચલાવવામાં આવશે તે અંગે અમેરિકા અને ઇઝરાયલ વિભાજિત દેખાઈ રહ્યા છે.
ઈઝરાયલી હવાઈ હુમલામાં હિજબુલ્લાહના ત્રણ કમાન્ડર ઠાર
ઈઝરાયલી લેબનાની સરહદે ઈઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ત્રણ કમાન્ડરો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોનના નબાતિહમાં એક કાર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. આ સાથે ઈઝરાયલી સૈન્યોના ઠેકાણાઓ ઉપર પણ હિઝબુલ્લાહ દ્વારા બદલાની કાર્યવાહી કરવામાં આવી હતી.