ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેજર હુમલાની મંજૂરી આપી હોવાનું સ્વીકાર્યું
Benjamin Netanyahu On Pager Attacks : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબેનોનમાં પેજર હુમલાને લઈને મંજૂરી આપી હોવાનો સ્વીકાર કર્યો છે. સપ્ટેમ્બરમાં પેજર હુમલામાં આશરે 40 લોકોના મોત થયા છે અને 3000 ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ વર્ષે 17 સપ્ટેમ્બરમાં સતત બે દિવસ હિઝબુલ્લાહના સૈનિકોની પાસે રહેલા હજારો પેજરમાં વિસ્ફોટ થયા હતા. જેને લઈને ઈરાન અને હિઝબુલ્લાહએ ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. હિઝબુલ્લાહના સૈનિકો દ્વારા પેજરનો ઉપયોગ ઈઝરાયલના લોકેશન ટ્રેકિંગથી બચવા માટે કોમ્યુનિકેશનના લો-ટેક માધ્યમ તરીકે કરવામાં આવ્યો હતો.
પેજર હુમલાના વિરોધમાં યુએનમાં ફરિયાદ
હમાસના 7 ઑક્ટોબરના હુમલા પછી શરૂ થયેલા યુદ્ધના ઉદ્દેશ્યોને વિસ્તૃત કરવાની ઈઝરાયલે જાહેરાત કરી હતી, જેમાં લેબેનોન સાથેની દેશની સરહદ પર સમૂહના સહયોગી હિઝબુલ્લાહના વિરોધમાં તેની લડાઈ પણ સામેલ છે. લેબેનોનના આ ગંભીર હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર લેબર એજન્સીમાં ફરિયાદ દાખલ કરાઈ હતી અને તેને "માનવતા સામે ભયાનક યુદ્ધ" તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
હિઝબુલ્લાહે 5,000 પેજર મંગાવેલા
મીડિયા અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે તેના સૈનિકો માટે બ્રાન્ડેડ પેજરનો ઓર્ડર આપ્યો હતો. વિસ્ફોટના થોડા કલાકો પહેલા હિઝબુલ્લાહે તેના સૈનિકોમાં પેજરની વહેચણી કરી હતી. હિઝબુલ્લાહને આ ડિવાઈસની સેફ્ટી અંગે વિશ્વાસ હતો. જો કે, રિપોર્ટ અનુસાર જેને સ્કેનર પણ શોધી શક્યા ન હતા તેવો આ પેજર્સમાં વિસ્ફોટ હતા.
હિઝબુલ્લાહે જથ્થાબંધમાં પેજરનો ઓર્ડર આપ્યો હતો. જેમાં વર્ષની શરૂઆતમાં 5,000 પેજર્સનો બેચ લેબેનોન લાવવામાં આવ્યો હતો. આ પેજરો અચાનક ગરમ થવા લાગ્યા અને થોડી જ વારમાં વિસ્ફોટ થવા લાગ્યા.