રફાહ પરના ઇઝરાયેલી હુમલામાં કોડી-બંધ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ : પેલેસ્ટાઇની તબીબો

Updated: May 30th, 2024


Google NewsGoogle News
રફાહ પરના ઇઝરાયેલી હુમલામાં કોડી-બંધ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ : પેલેસ્ટાઇની તબીબો 1 - image


- '47, '71માં  પાકે કરેલા પાપકાંડ સમયે સૌ કેમ ચૂપ હતા ?

- અમે રાહત છાવણી પર હુમલો કર્યો જ નથી : ઇઝરાયેલ કહે છે એવું કશું બન્યું નથી, જેથી ઇઝરાયેલને સહાય બંધ કરવી પડે : યુ.એસ.

કેરો : સિવિલિયન ઇવેકયુએશન ઝોન તરીકે નિશ્ચિત કરાયેલા વિસ્તાર ઉપર પોતે હુમલો કર્યો હોવાનો સ્પષ્ટ ઇન્કાર ઇઝરાયલે કર્યો છે. તો બીજી તરફ ગાઝા સ્થિત પેલેસ્ટાઇની તબીબો જણાવે છે કે તે હુમલામાં ઓછામાં ઓછા ૨૧ પેલેસ્ટાઇનીઓના મૃત્યુ થયા છે.

આ પૂર્વે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ઇઝરાયલને આક્રમણ નહીં કરવા અપીલ કરી હોવા છતાં ઇઝરાયલ ટેન્કોએ કરેલા તોપમારામાં ૨૧ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા.

આ પૂર્વે સ્પેન, આયર્લેન્ડ અને નોર્વેએ સત્તાવાર રીતે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃત આપી દીધી છે. છતાં ઇઝરાયલે તે બંનેને નહીં ગણકારતાં રાત્રે ભારે બોંબાર્ડમેન્ટ કર્યું હતું અને સવારે રફાહના હાર્દ સમા વિસ્તારમાં ટેન્કો દ્વારા તોપમારો ચાલુ રાખ્યો હતો. જો કે ઉક્ત ત્રણ રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનને સ્વીકૃતી આપ્યા પછી ઇઝરાયલ વધુ અલગ પડી રહ્યું છે. વિશ્વ સમાજથી તે વધુ અળગું થઇ રહ્યું છે.

ઇઝરાયલના નિકટતમ સાથી અમેરિકાએ પણ ઇઝરાયલને રફાહ ઉપર ભૂમિ દળ દ્વારા હુમલો નહીં કરવા જણાવ્યું છે. અમેરિકામાં ભારતીય વંશના જ ઉપપ્રમુખ કમલા હેરિસે તો આ હુમલાઓ અંગે પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, કરૂણાંતિકા તેવો શબ્દ પણ ત્યાં બની રહેલી ઘટનાઓને વર્ણવવા માટે અપૂરતો છે.

કમલા હેરિસના આ કથનને સ્વીકારવા સાથે નિરીક્ષકો જડબા તોડ જવાબ આપતા કહે છે કે, આપના શબ્દો અમેરિકાના જ કથન સમાન ગણી શકાય. તો અમારૃં પુછવું છે કે ૧૯૪૭માં પાકિસ્તાને હિન્દુઓ, શિખો, પારસીઓ અને ખ્રિસ્તીઓ તથા ગણ્યા ગાંઠયા યહૂદીઓ ઉપર તથા જમ્મુ અને કાશ્મીરમાં તો રહેલી મુસ્લિમ યુવતીઓ ઉપર પણ જે અમાનુષ અત્યારો કર્યા હતા અને ૧૯૭૧માં તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં જે ક્રૂરતા આચરી હતી ત્યારે અમેરિકા સહિત પશ્ચિમ યુરોપના દેશોની સંવેદના ક્યાં ગઇ હતી ? કેમ તે સમયે તમે બધા પાશ્ચાત્ય દેશો મુક હતા ? તેટલું જ નહીં પરંતુ નાપાક પાકને શસ્ત્રો મોકલતા હતા. ૧૯૭૧માં તો તમારૃં નૌકાદળ પાકિસ્તાનની સહાય માટે પૂર્વ પાકિસ્તાન તરફ રવાના કર્યું હતું પરંતુ તમારો સૌથી સબળ સાતમો કાફલો મસાક્કા - સ્ટ્રેઇટસ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનનો વાવટો વીંટાઈ ગયો. પ્રશ્ન છે કે તે સમયે પાકિસ્તાનના પંજાબી સૈનિકોએ પૂર્વ પાકિસ્તાનની બંગાળી કુમારિકાઓ, યુવતીઓ અને પ્રૌઢાઓ ઉપર ગૂજારેલા રાક્ષસોને પણ શરમાવે તેવા ત્રાસ વખતે તમારી (પશ્ચિમના રાષ્ટ્રોની) સંવેદના ક્યાં ગઈ હતી ? ૧૯૪૭માં તો પાકિસ્તાને મુજાહીદોને નામે મોકલેલા સૈનિકોએ કાશ્મીરની જ મુસ્લિમ યુવતીઓ અને પ્રૌઢાઓ ઉપર પીશાચોને પણ શરમાવે તેવી પાપલીલા કરી હતી. ત્યારે પશ્ચિમનું ડહાપણ કયાં ગયું હતું ? બેવડા ધોરણો પ્રત્યેક સત્તાધીશોના લોહીમાં વહેતા હોય છે. માટે ઇઝરાયલને હવે ઉપદેશ આપવાનો અર્થ નથી. દુનિયા આખી જાણે છે કે, અમેરિકા અને પશ્ચિમના દેશો બહારથી જુદુ કહે છે, અંદરથી તેમની નેમ મધ્ય-એશિયામાં દાખલ થવા માટેના ફૂટબોર્ડ સમાન ઇઝરાયલ તરફી જ છે.

વિશ્લેષકોના આ વિધાનોને જાણે કે સત્ય ઠરાવતા હોય તેમ વ્હાઈટ હાઉસના પ્રવકતા જહોન કીર્વીને પત્રકારોને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, રવિવારે કે મંગળવારે તેવી કોઈ ઘટના બની જ નથી કે જેથી અમારે ઇઝરાયલને લશ્કરી સહાય કરવાનું બંધ કરવું પડે.

આટલી ગંભીર પરિસ્થિતિ છતાં કતાર અને યુ.એસ. સાથે મળીને ઇજીપ્ત ફરી એક વખત યુદ્ધ-વિરામ માટે અને હમાસે બંધક રાખેલા બંદીવાનોને મુક્ત કરવા માટે મંત્રણા શરૂ કરવા પ્રયાસ કરી રહ્યું છે, તેમ ઇજીપ્તની સમાચાર ચેનલ અલ-કારીરા જણાવે છે.

છેલ્લા સમાચાર પ્રમાણે ગાઝા પટ્ટીમાં ૩૫૦૦૦થી વધુના મોત થયા છે.


Google NewsGoogle News