ગાઝાની સ્કૂલ પર ઇઝરાયેલનો હુમલો : 100થી વધુનાં મોત
- 15 દિવસમાં ચાર સ્કૂલોને નિશાન બનાવી : કુલ 200થી વધુનો ભોગ લેવાયો
- સ્કૂલમાં 30થી વધુ આતંકીઓ હોવાની બાતમી મળી હતી, કોઇ પણ નાગરિકને ઇજા નથી પહોંચી : ઇઝરાયેલનો બચાવ
- નરસંહાર કરનારા ઇઝરાયેલને ઘેરવા તમામ મુસ્લિમ દેશો એક થઇ જાય, પેલેસ્ટાઇનનો સાથ આપે : ઇરાન વિફર્યું
ગાઝા : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૦ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે આ હુમલાનો ભોગ નિર્દોશ નાગરિકો બની રહ્યા છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા શહેરમાં હજુ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલે પહેલા લોકોના ઘરોને ધ્વસ્ત કર્યા હવે ગાઝાના નાગરિકો જે સ્કૂલો કે અન્ય સ્થળોએ શરણ લઇને રહી રહ્યા છે ત્યાં પણ હુમલા કરી રહ્યું છે. ગાઝાના દારાજ ક્ષેત્રમાં અલ-તબિન નામની સ્કૂલમાં રહેતા લોકો પર ઇઝરાયેલે રોકેટ મારો ચલાવ્યો હતો. જેને કારણે ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે જ્યારે આ હુમલો કર્યો હતો ત્યારે આ સ્કૂલમાં રહેતા વિસ્થાપિતો સવારની નમાઝ પઢી રહ્યા હતા.
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર ઇઝરાયેલે નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો, હુમલાને પગલે શાળાની દિવાલો પડી ગઇ અને બાદમાં આગ લાગી હતી. ગાઝા શહેરમાં ઇઝરાયેલ એરફોર્સ દ્વારા આ મહિને ત્રીજી વખત શાળાને નિશાન બનાવવામાં આવી છે. ૪ ઓગસ્ટના રોજ ગાઝામાં વિસ્થાપિતોની બે શાળાઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૩૦ લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘવાયા હતા. જેના આગલા સપ્તાહમાં હમામા શાળા પર એરસ્ટ્રાઇક કરી હતી જેમાં ૧૭ લોકો માર્યા ગયા હતા. એટલે કે માત્ર ૧૫ જ દિવસમાં ઇઝરાયેલે ચાર શાળાઓને નિશાન બનાવીને કુલ આશરે ૨૦૦થી લોકોનો ભોગ લેવાયો છે. જોકે ઇઝરાયેલ સૈન્યનો દાવો છે કે જે પણ લોકો માર્યા ગયા છે તેઓ તમામ આતંકવાદીઓ છે, હમાસના આતંકીઓ હાલ શાળાઓ અને મસ્જિદોમાં છુપાઇને હુમલા કરી રહ્યા છે. છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહેલા આ હુમલાઓમાં પેલેસ્ટાઇનના ૪૦ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ આ નરસંહારને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલે ફરી એક વખત સાબિત કરી દીધુ કે તે કોઇ પણ આંતરરાષ્ટ્રીય કાયદો કે નૈતિક સિદ્ધાંતોને લઇને પ્રતિબદ્ધ નથી. ઇઝરાયેલને જવાબ આપવા માટે હવે એક જ ઉપાય છે, તમામ મુસ્લિમ દેશો એક થઇ જાય અને પેલેસ્ટાઇન દેશનું સમર્થન કરે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ આ મામલે કડક પગલા લે.