'તાત્કાલિક ગામ મૂકીને ભાગી જાઓ અને પરત ના આવતા...', ઈઝરાયલે લેબેનોનના 22 ગામના લોકોને આપી ચેતવણી
Israeli Military Orders Evacuation in Lebanon: ઈઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનોનના વધુ 22 ગામના નિવાસીઓને અવાલી નદીના ઉત્તર સ્થિત વિસ્તારમાં જવાના આદેશ આપી દીધા છે. આ માહિતી સેનાના એક નિવેદનમાં અપાઈ છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનના નિવાસીઓને ચેતવણી આપી છે કે તેઓ પોતાના ઘરમાં પરત ના આવે, કારણ કે સેના હિઝબુલ્લાહ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે.
સેનાના પ્રવક્તા અવિચાય અદ્રાઈએ કહ્યું કે, 'તમારા ગામોમાં અથવા આસપાસ હિઝબુલ્લાહના ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. તમારી સુરક્ષા માટે કૃપા કરીને પોતાના ઘરમાં પરત ના ફરતા. આગળની માહિતી સુધી દક્ષિણ તરફ ના આવો. જે પણ દક્ષિણ તરફ આવશે તે પોતાનો જીવ જોખમમાં નાખી શકે છે.'
'મેડિકલ ટીમો ના કરે એમ્બ્યુલન્સનો ઉપયોગ'
એક અલગ પોસ્ટમાં અદ્રાઈએ દક્ષિણ લેબેનોનમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને મેડિકલ ટીમોને એમ્બ્યુલન્સનો ઉપયોગ ના કરવાની અપીલ કરી છે. અદ્રાઈએ કહ્યું કે, 'આ વિસ્તારમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ હિઝબુલ્લાના લોકો કરી રહ્યા છે. અમે મેડિકલ ટીમોને અપીલ કરીએ છીએ કે હિઝબુલ્લાહના સભ્યોના સંપર્કમાં ના આવે અને તેનો સપોર્ટ ના કરે.'
ઈઝરાયલની સેનાના પ્રવક્તા, 'IDFએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વાહન વિરૂદ્ધ કાર્યવાહી કરાશે જે સશસ્ત્ર વ્યક્તિઓને પરિવહન કરાવે છે, ભલે પછી તે કોઈ પણ પ્રકારના હોય.'
હમાસ વિરૂદ્ધ વધુ એક ઈઝરાયલી હુમલો
ઈઝરાયલે લેબેનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી છે. આ વચ્ચે ગાઝામાં ઈઝરાયલી સેનાના હુમલાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે, સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:40 વાગ્યે હવાઈ હુમલો થયો. ત્યારે મૃત્યુ આંક 12 હતો જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.
ઉત્તર ગાઝામાં સિવિલ ડિફેન્સ એજન્સીના ડાયરેક્ટર અહમદ અલ-ખાલૂતે કહ્યું કે, અલગ અલગ હુમલાઓમાં 18 લોકોના જીવ ગયા છે. આ હુમલો આઠ અલગ-અલગ શાળાઓ પર કરવામાં આવ્યો જ્યાં શરણાર્થીઓ માટે કેમ્પ બનેલા હતા.