યુદ્ધને લીધે ગાઝામાં તબાહી, 70% ઘર-ઈમારતો નષ્ટ, માત્ર 8 હોસ્પિટલ સક્રિય, મૃત્યુઆંક 23000ની નજીક
Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલી મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે યુદ્ધમાં અત્યાર સુધી ગાઝાના લગભગ 70 ટકા ઘર-ઈમારતો નષ્ટ થઇ ચૂકી છે. આ દાવો સેટેલાઈટ તસવીરો અને અન્ય રિમોટ સેન્સિંગ રીતના વિશ્લેષણના હવાલાથી કરાયો છે.
કઈ કઈ ઈમારતો ધ્વસ્ત થઈ?
માહિતી અનુસાર તસવીરોના વિશ્લેષણથી જાણ થઇ કે નષ્ટ થયેલી ઈમારતોમાં લોકોના મકાન, ફેક્ટરીઓ, મસ્જિદ, સ્કૂલ, શોપિંગ મોલ અને હોટેલ સામેલ છે. જ્યારે ગાઝાની 36 હોસ્પિટલોમાંથી હવે ફક્ત 8 જ હોસ્પિટલો બાકી રહી ગઈ છે જે દર્દીને સ્વીકારવાની હાલતમાં છે. બાકી હોસ્પિટલોમાં પાણી, વીજળી અને કમ્યુનિકેશન સહિતની પાયાની વ્યવસ્થા પણ પડી ભાંગી છે.
શિકાગો યુનિવર્સિટીના રાજકીય વૈજ્ઞાનિકનો મોટો દાવો
જ્યારે શિકાગો યુનિવર્સિટીના રાજકીય વૈજ્ઞાનિક રોબર્ટ પેપે દાવો કર્યો હતો કે ડ્રેસડેન અને બોમ્બમારાવાળા શહેરોની યાદીમાં હવે ગાઝાનું નામ પણ સામેલ થઈ જશે. ઈઝરાયલી એરફોર્સ અને ઈઝરાયલી ગ્રાઉન્ડ ફોર્સ ગાઝા પર સતત બોમ્બ વરસાવી રહી છે.
મૃતકાંક 22811 પર પહોંચ્યો
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં ઈઝરાયલી સૈન્યના હુમલામાં વધુ 165 પેલેસ્ટિની નાગરિકોના મૃત્યુ થયા છે. જોકે 250થી વધુ લોકો ઘવાયા હતા. ઈઝરાયલે વેસ્ટ બેન્કમાં દરોડા દરમિયાન 14 લોકોની ધરપકડ પણ કરી લીધી હતી. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 21672 પેલેસ્ટિની લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 56 હજારથી વધુ ઘવાયા છે. જ્યારે ઈઝરાયલમાં અત્યાર સુધી 1400થી વધુ લોકોના મોત થયા છે. આ રીતે કુલ મૃત્યુઆંક 23000ની નજીક પહોંચી ગયો છે.