ઈઝરાયલી સૈનિકોની ક્રૂરતા, ઘાયલ પેલેસ્ટાઈનના નાગરિકને જીપ આગળ બાંધીને હોસ્પિટલ લઈ ગયા
Israel-Gaza War: ઈઝરાયલની સેનાએ શનિવારે (22મી જૂન) વેસ્ટ બેંકના જેનિનમાં દરોડા દરમિયાન પેલેસ્ટાઈનના એક નાગરિકેને સેનાની જીપના બોનેટ પર બાંધીને લઈ જતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ મુજાહિદ આઝમી તરીકે થઈ છે. આ વીડિયોના કારણે ઈઝરાયલ પર અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોમાંથી પણ લોકો ફટકાર વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો અપીલ કરી રહ્યા છે કે, ઈઝરાયલે સામાન્ય નાગરિકો સાથે તો આવું વર્તન ના જ કરવું જોઈએ.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે શું કહ્યું?
આ ઘટના પર ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)નું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ઈઝરાયલની સેના પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો હતો, જેમાં આ વ્યક્તિ ઘાયલ થયો હતો, જે બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સૈનિકોએ સૈન્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું અને સૈન્ય દળોનું વર્તન ઈઝરાયલની સેનાના મૂલ્યો અનુસાર નથી. આ મામલાની તપાસ કરવામાં આવશે. મુજાહિદ આઝમીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'
શરણાર્થી શિબિરોમાં ઈઝરાયલના હુમલામાં 24ના મોત
ગાઝામાં હમાસની મીડિયા ઓફિસના ડાયરેક્ટર જનરલ ઇસ્માઇલ અલ-થબ્તાએ જણાવ્યું હતું કે, 'પેલેસ્ટિનિયન પ્રદેશના ઉત્તરમાં ગાઝા શહેરના વિવિધ વિસ્તારોમાં શનિવારે ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા હતા. ગાઝા પટ્ટીના આઠ શરણાર્થી શિબિરોમાંથી એક અલ-શતી પર ઈઝરાયલના હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. અલ-તફાહમાં ઈઝરાયલના હુમલામાં અન્ય 18 પેલેસ્ટિનિયનના મોત થયા હતા.