ગાઝાની શિફા હોસ્પિટલની અંદર હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે ફાયરિંગ, હમાસના ટોચના કમાન્ડરનુ મોત
image : Twitter
ગાઝા,તા.19 માર્ચ 2024,મંગળવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધમાં ઈઝરાયેલે ફરી એક વખત ગાઝાની શિફા હોસ્પિટલને ટાર્ગેટ બનાવી છે.
આ વખતે તો હોસ્પિટલ જ હમાસ અને ઈઝરાયેલની સેના વચ્ચે યુધ્ધુ મેદાન બની ગઈ હતી. હોસ્પિટલની અંદર બંને પક્ષો વચ્ચે જોરદાર ફાયરિંગ થયુ હતુ. જેમાં ઈઝરાયેલની સેનાએ હમાસના એક ટોચના કમાન્ડરને મારી નાંખવાનો અને બીજા 80 આતંકીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે. મરનારા કમાન્ડરની ઓળખ ફૈક મબુઓચ તરીકે થઈ છે. જે હમાસની ઈન્ટરનલ સિક્યુરિટીના કોમ્યુનિકેશન સેન્ટરનો પ્રમુખ હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈઝરાયેલની સેનાને ગાઝાની શિફા હોસ્પિટલમાં હમાસના સભ્યો સંતાયા હોવાની બાતમીના આધારે ઈઝરાયેલના સૈનિકોએ હોસ્પિટલ પર એટેક કર્યો હતો. હમાસના સભ્યો અને સૈનિકો વચ્ચે મેડિકલ સેન્ટરની અંદર ફાયરિંગ થયુ હતુ અને તેમાં હમાસના ટોચના કમાન્ડરનુ મોત થયુ હતુ. તેનુ જે રુમમાં મોત થયુ હતુ તેની બાજુના રુમમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અથડામણમાં ઈઝરાયેલના 20 વર્ષના સૈનિક સાર્જન્ટ મટન વિનોગ્રાદોવનુ પણ મોત થયુ હતુ.
અથડામણમાં માર્યા ગયેલા હમાસના ટોચના અધિકારી ફૈકના ભાઈએ હમાસ માટે દુબઈમાંથી 2010માં હથિયારો ખરીદયા હતા. બાદમાં તેની પણ હત્યા થઈ ગઈ હતી અને તેમાં મોસાદનો હાથ હોવાનુ કહેવાયુ હતુ.
ઈઝરાયેલની સેનાએ આ અથડામણ બાદ કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં નાગરિકો, દર્દીઓ તેમજ તબીબોને નુકસાન ના પહોંચે તે વાતનુ અમે ધ્યાન રાખ્યુ હતુ. હોસ્પિટલમાં દર્દીઓ તેમજ નાગરિકોને ભોજન, પાણી અને બીજી વસ્તુઓ અમે જ પહોંચાડી રહ્યા છે.