પેલેસ્ટાઇનને યુએનનું સંપૂર્ણ સભ્યપદ આપવા મહાસભાના પ્રસ્તાવને ઇઝરાયેલી દૂતે ચીરાડા ઉડાડયા
- હજી સુધી યુએનમાં ઓબ્ઝવર સ્ટેટસ ધરાવતાં પેલેસ્ટાઇનને સંપૂર્ણ સભ્યપદ આપવાના પ્રસ્તાવને ભારતે સમર્થન આપ્યું
યુએન : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ શુક્રવારે એક પ્રસ્તાવ રજૂ કરી યુએનની સલામતી સમિતિને પેલેસ્ટાઇનને મળેલાં માત્ર ઓબ્ઝવર સ્ટેટસમાંથી સંપૂર્ણ સભ્યપદ આપવા માટે મોકલી આપ્યો હતો.
આ સામે પોતાનો ગુસ્સાભર્યો વિરોધ દર્શાવતાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્દાને તે પ્રસ્તાવના પોતાનાં હાથમાં રહેલાં શેડીંગ મશીનથી ચીરાડા ઉડાડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતે તે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. વાસ્તવમાં ૧૯૪૫માં તૈયાર થયેલાં યુએન (તે સમયનાં યુનો)ના મૂળ પત્રમાં (ખત પત્રમાં) દર્શાવાયું છે કે એક દેશ બીજા દેશ ઉપર કબ્જો જમાવી ન શકે. ઇઝરાયલને આ જ પેટમાં દુઃખે છે. તેણે ગાઝાપટ્ટીના પેલેસ્ટાઇનના ઉત્તરભાગમાં તેમ જ જોર્ડન નદીના પશ્ચિમ તટે રહેવા પેલેસ્ટાઇનના પ્રદેશ ઉપર કબ્જો જમાવી દીધો છે. હમાસ ગાઝા પટ્ટીમાં ઉઝરાયલ સામે મરણિયો જંગ ખેલે છે.
આ વાસ્તિવિક્તા વચ્ચે, એર્દાને ઉક્ત પ્રસ્તાવને યુએનના તે પ્રસ્તાવને યુએનના મૂળપત્રના ભંગ સમાન જણાવતાં કહ્યું હતું કે આ અમેરિકાએ સલામતી સમિતિમાં વીટોથી ઉડાડી દીધેલા પ્રસ્તાવને પુનર્જિવિત કરી તે વીટોને નિરર્થક બનાવી દે છે. જે યુએનના મૂળ પત્ર (ખતપત્ર)ના ખુલ્લા ભંગ સમાન છે. એર્દાને આ સાથે તાડુકતાં કહ્યું હતું કે આ દિવસ યુએનના ઇતિહાસમાં બેશરમ દિવસ તરીકે ઓળખાશે. આ ક્ષણે હું સમગ્ર દુનિયાને આ અનૈતિક પગલું છે, તે પણ યાદ આપવા માગું છું. આજે હું તે બધા સામે અરીસો દર્શાવવા માગું છું જેથી તેઓ જોઈ શકે કે આ વિનાશકારી મતદાનથી તમો યુએનના મૂળપત્ર (ખત-પત્ર)ના તમારા હાથે ચીરાડા ઊડાડી રહ્યા છો.
એર્દાને આટલું કહેતાં નાનાં એવા શેડીંગ મશીનથી તે ખતપત્રના ચીરાડા ઊડાડી દીધા હતા, જેનો વિડીયો પણ સોશ્યલ મીડીયા પર પણ વાયરલ થઇ રહ્યો છે.
આખરે આ પ્રસ્તાવ યુએનની મહાસભાએ ૧૪૩ મત તેની તરફેણમાં આપી પસાર કર્યો હતો. તે સમયે ૨૫ દેશોએ મતદાન કર્યું ન હતું. જ્યારે ઇઝરાયલ અને યુએસ સહિત ૯ દેશોએ તે પ્રસ્તાવની વિરૂદ્ધમાં મત આપ્યા હતા.
આ પ્રસ્તાવ પસાર થતાં હવે પેલેસ્ટાઇન રાષ્ટ્ર યુએનના આર્ટિકલ ૪ નીચે પેલેસ્ટાઇનને ઓબ્ઝવર સ્ટેટસમાંથી સંપૂર્ણ સભ્ય મેળવવાનો માર્ગ ખુલ્લો કરે છે.
આથી ભભૂકી ઉઠેલા ઇઝરાયલના પ્રતિનિધિ (રાજદૂતે) એ કહ્યું હતું કે આ પ્રસ્તાવ આધુનિક નાઝીવાદને સમર્થન આપે છે. તેથી પેલેસ્ટાઇનના ટૂંક સમયમાં બનનારા પ્રમુખ યાહ્યા સિનવાર આધુનિક યુગનો હીટલર બની જશે.
આ સાથે વિશ્લેષકોના મનમાં પ્રશ્ન જાગે છે કે પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેનું પદ મળી જાય તે યુએનું સત્તાવાર સભ્ય પણ બની જાય છતાં ઇઝરાયલ તેના પ્રદેશ ઉપરનો કબ્જો ન છોડે તો શું થાય ? આવી જ પરિસ્થિતિ યુક્રેન યુદ્ધમાં અંશતઃ ઉભી થઈ છે. ત્યાં રશિયાએ ભલે યુક્રેનના માત્ર પાંચમા ભાગ પર જ કબ્જો જમાવ્યો છે. પરંતુ યુક્રેન તો યુએનનું વિધિવત સભ્ય છે. ત્યાં પણ પરિસ્થિતિ ઘણી ગૂંચવાડા ભરી બની રહે છે. આ તબક્કે તો યુક્રેન કે ગાઝા બંને યુદ્ધમાં કોઇ ઉકેલ જ દેખાતો નથી. તો પૂર્વમાં ચીન તાઈવાન ઉપર ઝળુંબી રહ્યું છે. ભારત-પાક, ભારત-ચીન સંઘર્ષ કોઈ ઉત્તર દેખાતો નથી.