ઈઝરાયેલની આર્મીનો ડોગ 'નારો' શહીદ, હમાસના 10 આતંકીઓને ઢાળી દેવામાં મદદ કરી હતી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલની આર્મીનો ડોગ 'નારો' શહીદ, હમાસના 10 આતંકીઓને ઢાળી દેવામાં મદદ કરી હતી 1 - image


તેલ અવીવ,તા.17.ઓક્ટોબર.2023

હમાસે ઈઝરાયેલ પરના આતંકી હુમલા વખતે આચરેલી ક્રુરતાની સાથે સાથે  ઈઝરાયેલના સૈનિકો તેમજ લોકોએ દાખવેલી બહાદુરીના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે.

હવે તો એવુ જાણવા મળ્યુ છે કે, ઈઝરાયેલના કે-9 યુનિટના કુતરાઓએ પણ આતંકીઓનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો અને 200 લોકોને બચાવ્યા હતા.ઈઝરાયેલની સેનાના કે-9 યુનિટના કુતરાઓએ હમાસના 10 આતંકીઓને ઢાળી દેવામાં પણ મદદ કરી હતી.

ઈઝરાયેલના સુરક્ષા દળોના કહેવા પ્રમાણે આ કુતરાઓને ગાઝા બોર્ડર પાસેની ઈઝરાયેલની વસાહતોમાં તૈનાત કરવામાં આવ્યા હતા.આ કુતરાઓએ બંધકોને છોડાવવામાં, લોકોના જીવ બચાવવામાં અને ઘરોમાં છુપાયેલા આતંકીઓને શોધી આપવામાં સહાયતા કરી હતી.

ગાઝા નજીકના કફર અજા વિસ્તારમાં જ્યારે હમાસના આતંકીઓ ઈઝરાયેલના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે તૈયાર બેઠા હતા ત્યારે કે -9 યુનિટના નારો નામના કુતરાએ ઈઝરાયેલના સૈનિકોને એલર્ટ કરી દીધા હતા.

ઈઝરાયેલની આર્મીનુ કહેવુ છે કે, નારોએ આતંકીઓની ભાળ મેળવી આપ્યા બાદ ઈઝરાયેલના સૈનિકો ચેતી ગયા હતા અને તેમણે આતંકીઓ પર હુમલો કર્યો હતો.જોકે નારો આ જંગમાં શહીદ થઈ ગયો હતો.તેના મૃતદેહની બાદમાં ભાળ મળી હતી.આર્મી બેઝ પર સન્માનપૂર્વક તેની દફનવિધિ કરવામાં આવી હતી.

અન્ય એક રેસ્ક્યૂ મિશનમાં ચાર્લી નામના કુતરાએ હમાસના એક લીડરની ભાળ મેળવીને તેના પર હુમલો કર્યો હતો.ઈઝરાયેલની સેના હવે પોતાના કે-9 યુનિટના કુતરાઓને વધારે તાલીમ આપીને વધારે આક્રમક બનાવવા માંગે છે.

ઈઝરાયેલ ગાઝા પર જમીની હુમલો કરવાની યોજના બનાવી રહ્યુ છે અને તેમાં પણ આ કુતરાઓને સામેલ કરાશે તેમ મનાઈ રહ્યુ છે.


Google NewsGoogle News