ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હોસ્પિટલ પર હુમલો કર્યો, એક દર્દીનુ મોત અને 6 ઘાયલ
Image Source: Twitter
તેલ અવીવ, તા. 16. ફેબ્રુઆરી. 2023 શુક્રવાર
ઈઝરાયેલ દ્વારા હમાસ સામે ગાઝામાં શરુ કરાયેલા જંગનો અંત પણ આવતો દેખાતો નથી.
ઈઝરાયેલની સેના દ્વારા ગાઝામાં લશ્કરી કાર્યવાહી થઈ રહી છે અને તેના ભાગરુપે ઈઝરાયેલના સૈનિકોએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે.ઈઝરાયેલના સૈનિકોને આશંકા હતી કે, અહીંયા આતંકવાદીઓ છુપાયેલા છે.
જેના પગલે ઈઝરાયેલે આ હોસ્પિટલ પર અંધાધૂધ ફાયરિંગ શરુ કર્યુ હતુ અને તેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.દર્દીઓ તેમજ ડોકટરો અને કર્મચારીો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાની શોધમાં ભાગ્યા હતા.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, આ હુમલામાં એક દર્દીનુ મોત થયુ છે અને બીજા 6 દર્દીઓ ઘાયલ પણ થયા છે.ડોકટરોએ કહ્યુ હતુ કે, દક્ષિણી ગાઝામાં આવેલી આ હોસ્પિટલ પર ગુરુવારે સવારે ઈઝરાયેલના સૈનિકોએ ફાયરિંગ શરુ કરી દીધુ હતુ.અહીંયા દર્દીઓ સિવાય વિસ્થાપિત લોકો પણ આશ્રય લઈ રહ્યા હતા.
જ્યારે ઈઝરાયેલે કહ્યુ હતુ કે, નાસિર હોસ્પિટલમાં આશ્રય લેનારા લોકો માટે અમે એક રસ્તો ખોલ્યો છે અને તેના કારણે આ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં લોકો નીકળી શક્યા છે.
ઈઝરાયેલ દ્વારા લેબેનોનના દક્ષિણ વિસ્તારમાં પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે અને તેમાં 13 લોકોના મોત થયા છે.જેમાં મોટાભાગના મહિલા અને બાળકો છે.
જ્યારે ઈઝરાયેલનુ કહેવુ છે કે, આ હુમલામાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના ત્રણ આતંકીઓ પણ માર્યા ગયા છે.