જાણો, જબાલિયા કેમ્પ ઉપર ઇઝરાયેલના સૈન્યએ કેમ ફરી ગ્રાઉન્ડ હુમલા શરુ કર્યા?

હમાસ જબાલિયામાં ફરી માથુ ઉચકવાનો પ્રયાસ કરી રહયું છે.

સંપૂર્ણ પ્રભુત્વ માટે જમીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Updated: May 13th, 2024


Google NewsGoogle News
જાણો, જબાલિયા કેમ્પ ઉપર ઇઝરાયેલના સૈન્યએ કેમ ફરી ગ્રાઉન્ડ હુમલા શરુ કર્યા? 1 - image


જેરુસલામ,૧૩ મે,૨૦૨૪,સોમવાર 

ઇઝરાયેલી સેનાએ ગાજાના દક્ષિણી શહેર રાફા પરના નિરંતર હુમલા પછી ઉત્તરી શહેર જબાલિયામાં ગ્રાઉન્ડ એટેક શરુ કર્યા છે. ઇઝરાયેલી સેનાના પ્રવકતાએ જણાવ્યું હતું કે  આતંકી જૂથ હમાસ જબાલિયામાં ફરી માથુ ઉચકવાનો પ્રયાસ કરી રહયું છે. ફરી શકિતશાળી બનવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવા હુમલા કરવાની ફરજ પડી છે. અગાઉ હવાઇ હુમલા બાદ ઇઝરાયેલના સૈન્યએ જબાલિયા પર કબ્જો મેળવી લીધો હતો પરંતુ સંપૂર્ણ પ્રભુત્વ માટે જમીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ગત રવિવારે રાફામાં કરેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન હમાસના ૧૦ લડવૈયાઓને મારવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી બચવા રાફામાં ૧૦ લાખથી વધુ વિસ્થાપિતોએ શરણ લીધું છે. ઇઝરાયેલના સૈન્યએ શરણાર્થીઓને સ્થળ ખાલી કરીને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાની પણ સુચના આપેલી છે. સંયુકત રાષ્ટ્રસંઘે રાખા અને જબાલિયામાં વધતી જતી સૈન્ય કાર્યવાહીને ગંભીરતાથી લઇને સંઘર્ષ વિરામની અપીલ કરી હતી. ગાજાપટ્ટીમાં હવે કોઇ જ જગ્યા સુરક્ષિત નહી હોવાનું જાહેર કર્યુ હતું. ગાજાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધી ૩૫૦૩૪ લોકોના મુત્યુ થયા છે. 

જબાલિયા ગાજા શહેરથી ૪ કિમી દૂર આવેલું શહેર છે

પેલેસ્ટાઇનનું આ શહેર જબાલિયા ગાજાપટ્ટીમાં પેલેસ્ટાઇનના ઉત્તરી ગાજા ગર્વનરેટમાં ગાજા શહેરથી ૪ કિમી દૂર આવેલું છે. પેલેસ્ટાઇની કેન્દ્રીય બ્યૂરોના આંકડા અનુસાર જબાલિયામાં ૧૭૨૭૦૪ લોકો રહે છે. જબાલિયાને અડીને ઉત્તર તરફ એક શરણાર્થી શિબિર આવેલી છે. જે જબાલિયા નગરપાલિકા વિસ્તારની જ હદમાં છે. શરણાર્થીઓની આડમાં જબાલિયામાં હમાસના લડવૈયાઓ ફરી મજબૂત બની રહયા હોવાની શંકાના આધારે ઇઝરાયેલના સૈનિકોની ટુકડીએ ગ્રાઉન્ડ કાર્યવાહી હાથ ધરી છે. જબાલિયા જેને અરબીમાં જબાલ્યા પણ કહેવામાં આવે છે. ( જબાલિયા ફાઇલ ફોટો)



Google NewsGoogle News