હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન, સિનિયર કમાન્ડરનું મોત, IDFએ કરી પુષ્ટી
Israel-Hamas war: હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું છે. ઈઝરાયલી સેનાએ રવિવારે ઉત્તર ગાઝામાં થયેલા વિસ્ફોટમાં બ્રિગેડ કમાન્ડર અહસાન દક્સાના મૃત્યુની પુષ્ટિ કરી છે. કમાન્ડરનું મોત હમાસના હુમલામાં થયું છે. સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, '401મી બ્રિગેડના કમાન્ડર કર્નલ અહસાન દક્સાનું જબાલિયા વિસ્તારમાં એ સમયે મૃત્યુ થઈ ગયું જ્યારે તેઓ પોતાના ટેન્કમાંથી બહાર નીકળી રહ્યા હતા.'
હમાસ સાથેના યુદ્ધમાં મોત
બ્રિગેડ કમાન્ડરના મૃત્યુ પર રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટે પણ એક અલગથી નિવેદન જારી કર્યું હતું. તેમણે કહ્યું કે, હમાસના આતંકવાદીઓ સામે લડતા દક્સાનું મૃત્યુ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે દક્સાને આ પદ પર ચાર મહિના પહેલા જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. દક્સા વર્ષથી ચાલી રહેલા સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવનાર સૌથી મોટા સૈન્ય અધિકારીઓમાંથી એક હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અન્ય એક બટાલિયન કમાન્ડર અને બે અધિકારીઓને સામાન્ય ઈજા પહોંચી છે.
બ્રિગેડ કમાન્ડર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા
અહસાન દક્સા વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓ વિસ્ફોટકની ચપેટમાં આવી ગયા હતા. હગારીના જણાવ્યા પ્રમાણે દક્સા હમાસના આક્રમક હુમલાઓને રોકવાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ 6 ઓક્ટોબરના રોજ જબાલિયા અને ઉત્તર ગાઝાના અન્ય ભાગો પર જમીની અને હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સેનાનું કહેવું છે કે અમારો લક્ષ્ય હમાસના આતંકવાદીઓને ફરી સંગઠિત થતા રોકવાનો છે.
તમને જણાવી દઈએ કે, 2006માં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયલના યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને બચાવવા બદલ દક્સાને સન્માનિત કરવામાં આવ્યા હતા. લેબનોનમાં બંને પક્ષો હાલમાં ફરીથી યુદ્ધની સ્થિતિમાં છે.