'ઈઝરાયલ હુમલો કરે તો 1000 મિસાઇલો ઝીંકી તબાહી મચાવીશું..', ઈરાનના સુપ્રીમ લીડરની ધમકી
Israel vs Hezbollah War Updates | હમાસનો સફાયો કરવા માટે ગાઝા પટ્ટીનો કચ્ચરઘાણ કાઢ્યા પછી હવે ઈઝરાયેલે લેબનોનમાં હુમલા શરૂ કર્યા છે. લેબનોનમાં પૂર્ણ સ્તરનું અભિયાન શરૂ કર્યા પછી હવે ઈઝરાયેલે હીઝબુલ્લાના આતંકી સ્થળોનો નાશ કરવા પડોશી દેશમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. આ સમયે તેને દરેક ઘરમાંથી શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવતાં સમગ્ર વિશ્વ ચોંકી ઊઠયું છે. લેબનોન પર કાર્યવાહી વચ્ચે ઈઝરાયેલે ગાઝાની દક્ષિણે ખાન યુનિસ પર શુક્રવારે હુમલો કરતા 38 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ ઈરાને ઈઝરાયેલ તેના પર હુમલો કરે તો 1000 જેટલા મિસાઈલોથી યહુદી દેશ પર આક્રમણ કરવાની તૈયારી કરી લીધી છે.
ગાઝાને ઘમરોળીને હમાસનો ખાત્મો બોલાવ્યા પછી હવે ઈઝરાયેલે લેબનોનમાં આતંકી સંગઠન હીઝબુલ્લાને નિશાન બનાવ્યું છે. છેલ્લા એક મહિનામાં હીઝબુલ્લાના ટોચના લીડર્સને ખતમ કરવાની સાથે ઈઝરાયેલે હવે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે.
ઈઝરાયેલના સૈન્યની એટજિયોની બ્રિગેડની 8103 બટાલિયનના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ એલિશામાન જેકબનું કહેવું છે કે અમે 200 દિવસથી રિઝર્વ ડયુટીમાં તૈનાત છીએ. પરંતુ આવું દૃશ્ય ક્યાંય જોયું નથી. લેબનોનના ગામોમાં લગભગ દરેક ઘરોમાં શસ્ત્રોનો જંગી જથ્થો મળ્યો છે, જેમાં હેન્ડ ગ્રેનેડ્સ, મોર્ટાર, એન્ટી-ટેન્ક મિસાઈલ, એસોલ્ટ રાઈફલ, એન્ટી ટેન્ક માઈન અને એન્ટી પર્સનલ ક્લેમોર સ્ટાઈલ માઈન્સનો સમાવેશ થાય છે. જેકબે દાવો કર્યો છે કે આ જથ્થો જોતાં હીઝબુલ્લાહ ઈઝરાયેલ પર ગયા વર્ષના ૭ ઑક્ટોબરે હમાસ જેવો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે 7 ઑક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યાના બીજા જ દિવસથી હીઝબુલ્લાહે ઉત્તરીય ઈઝરાયેલ પર હુમલા શરૂ કરી દીધા હતા. હમાસના સમર્થનમાં લેબનોનનું આતંકી સંગઠન એકવર્ષથી ઈઝરાયેલ પર મિસાઈલ અને રોકેટમારો કરી રહ્યું હતું. જોકે, ગયા મહિને ઈઝરાયેલે હીઝબુલ્લાના આતંકીઓને નિશાન બનાવી પેજર અને વોકી-ટોકીથી હુમલો કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી.
જોકે, હવે ઈઝરાયેલે લેબનોનમાં મર્યાદિત હુમલા શરૂ કર્યા છે અને હીઝબુલ્લાના સ્થળો અને ઈમારતોને ઉડાવવાનું શરૂ કર્યું છે. લેબનોનમાં છેલ્લા બે મહિનામાં હીઝબુલ્લાના ૨,૦૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. બીજીબાજુ લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ઈઝરાયેલના હુમલામાં તેના 2500થી વધુ નાગરિકોના મોત થયા છે અને ૧૨,૦૦૦થી વધુને ઈજા થઈ છે. લેબનોનમાં યુદ્ધના કારણે ચાર લાખ બાળકો સહિત 12 લાખ લોકો બેઘર થઈ ગયા છે.
દરમિયાન ઈઝરાયેલ 1 ઑક્ટોબરના ઈરાનના હુમલાના જવાબમાં તહેરાન પર આક્રમણ કરે તો જોરદાર જવાબી હુમલો કરવાની ચેતવણી અપાઈ છે. અયાતોલ્લાહ ખામનેઈએ સૈન્યને તૈયાર રાખવા નિર્દેશ આપ્યા છે. સૂત્રો મુજબ ઈઝરાયેલ હુમલો કરે તો ઈરાને ઈઝરાયેલ પર 1000 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. ઈઝરાયેલ ઈરાન ઉપર અને વળતા હુમલામાં ઈરાન ઈઝરાયેલ પર આક્રમણ કરશે તો મધ્ય-પૂર્વમાં તણાવપૂર્ણ સ્થિતિ વકરવાની ભીતિ સેવાઈ રહી છે.