ગાઝામાં યુએનના હેડક્વાર્ટર નીચે જ હમાસની સુરંગ મળી, આતંકીઓ વીજ સપ્લાય માટે ઉપયોગ કરતા હતા
ગાઝા, તા. 11 ફેબ્રુઆરી 2024
ગાઝામાં હમાસ દ્વારા સુરંગોનુ મોટુ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યુ છે અને હમાસના આતંકીઓ આ સુરંગોમાં આશ્રય લેતા હોવાનો દાવો તો ઈઝરાયેલ પહેલેથી કરી રહ્યુ છે.
ગાઝા પર અત્યારે લશ્કરી કાર્યવાહી કરી રહેલા ઈઝરાયેલે હવે નવો દાવો કરીને કહ્યુ છે કે, ગાઝામાં યુએનની એજન્સીની ઓફિસની નીચે જ સુરંગ મળી આવે છે. જેનો ઉપયોગ હમાસના આતંકીઓ વીજળી સપ્લાય કરવા માટેના કંટ્રોલ રુમ તરીકે કરી રહ્યા હતા.
ઈઝરાયેલની સેનાના લેફટનન્ટ કર્નલ ઈડોએ કહ્યુ હતુ કે, આ ટનલ વીજ સપ્લાય માટેનો કંટ્રોલ રુમ છે અને અહીંયા ચારે તરફ ઈક્વિપમેન્ટ અને બેટરી ઈન્સ્ટોલ કરવામાં આવી છે. અહીંથી જ હમાસ દ્વારા વીજ સપ્લાય પૂરો પાડવામાં આવતો હતો.
બીજી તરફ યુએનની રાહત કાર્ય સાથે સંકળાયેલી એજન્સીના અધિકારી જુલિયેટ ટોમાએ કહ્યુ હતુ કે, એજન્સીને મુખ્ય ઈમારતની નીચે શું છે તે વાતની જાણકારી નહોતી. મેં પોતે આ ઈમારતની ઘણી વખત મુલાકાત લીધી છે પણ તેની નીચે સુરંગ હશે તેનો તો મને ખ્યાલ સુધ્ધા આવ્યો નહોતો. છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં આ ઈમારતનુ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ. અમારી એજન્સી એક માનવતાવાદી સંગઠન છે અને તેની પાસે સૈન્ય કે સુરક્ષાને લગતી બાબતોની કોઈ જાણકારી ન થી હોતી. ઈમારતની નીચે શું થઈ શકે છે તે જાણવાની અમારી પાસે ક્ષમતા પણ નથી.
હમાસના સુરંગ નેટવર્કને પકડવાનો દાવો કરી રહેલા ઈઝરાયેલ દ્વારા હજી ગાઝા પરના હુમલા રોકવામાં આવ્યા નથી. ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓમાં મોતને ભેટનારા લોકોનો આંકડો 28000ને પાર કરી ગયો છે તેવો ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે. છેલ્લા 24 કલાકમાં 117 લોકોના મોત થયા છે. કુલ મળીને 67000 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. લાખોની સંખ્યામાં લોકો વિસ્થાપિત પણ થયા છે.