ઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઈક : 75નાં મોત
- હમાસ સાથેના 15 મહિનાના યુદ્ધનો વિરામ 15 કલાક પણ ન ચાલ્યો
- ફાંસીની સજા પામેલા કેદીઓ અંગે હમાસ તેના વચન પરથી ફરી જતાં તેની સાથે યુદ્ધવિરામ શક્ય નથી : નેતન્યાહુની ઓફિસનો દાવો
- હમાસને વધુ પડતી રાહત આપશે તો નેતન્યાહુ સરકારને ટેકો ખેંચી લેવાની જમણેરી પક્ષોની ચીમકી
ગાઝા : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધનો યુદ્ધવિરામ ૧૫ કલાક પણ ટક્યો નથી. ઇઝરાયેલે ગાઝામાં હુમલો કરતાં ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસે છેલ્લી ઘડીએ ઉઠાવેલા વાંધાના લીધે છેલ્લી મિનિટે આ ડીલ અટકી ગયું હતું. જ્યારે અમેરિકા અને કતારે ડીલ થયાની જાહેરાત કરી દીધી હતી.
ગાઝામાં યુદ્ધવિરામની ઉજવણી કરી રહેલા પેલેસ્ટાઇનીઓ પર જ ઇઝરાયેલીઓ બોમ્બાર્ડિંગ કર્યુ હતું. ગાઝાવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ યુદ્ધવિરામ થવાનો હોય ત્યારે ઇઝરાયેલ આ પ્રકારનું બોમ્બાર્ડિંગ કરે જ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના અત્યાર સુધીના આ અત્યંત જોખમી હુમલામાં કુલ ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઇજા પામ્યા છે.
ઇઝરાયેલની કેબિનેટે આ યુદ્ધવિરામને મંજૂરી જ આપી ન હતી. અગાઉ પણ યુદ્ધવિરામની વાત થઈ ત્યારે બંને પક્ષોએ એકબીજા પરના હુમલા વધુ આકરા બનાવ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝાની બે હોસ્પિટલોમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલાઓના મૃતદેહો લાવવામાં આવ્યા છે, હાલનો આંકડો તે પ્રારંભિક આંકડો છે. વાસ્તવિક મોતનો આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.
અગાઉ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે છેલ્લી મિનિટે આવેલી કટોકટીના લીધે હમાસે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે યુદ્ધવિરામને અટકાવી દીધો છે. યુદ્ધવિરામ થયો હોત તો ગાઝામાં ચાલતો સંઘર્ષ અટકી જાત અને બંધકોને મુક્તિ મળી હોત. અમેરિકન પ્રમુખ જો બાઇડેન અને ચાવીરુપ મધ્યસ્થી કતાર આ ડીલ પૂરુ થયાની જાહેરાત કરી તેના ગણતરીના કલાકોમાં જ નેતન્યાહુએ સંકેત આપવા માંડયા હતા કે આ ડીલ થયું નથી, તેને લઈને ઘણા સવાલ છે.
બુધવારે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, તેના પગલે હમાસ બંધકોને છોડવાનું હતું અને ઇઝરાયેલ પેલેસ્ટાઇની કેદીઓને છોડવાનું હતું તથા ગાઝામાંથી હટી જવાનું હતું. ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધે સમગ્ર મધ્યપૂર્વને હચમચાવી કાઢ્યું છે અને વિશ્વવ્યાપી વિરોધ વહોરી લીધો છે.
હમાસના વરિષ્ઠ અધિકારી ઇજ્ઝત-અલ-રિશ્કએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથ બુધવારે જાહેર થયેલા યુદ્ધવિરામ માટે સંમત છે. હમાસે ૭મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઇઝરાયેલ પર હુમલો કરી શરૂ કરેલા યુદ્ધના વળતા જવાબમાં ઇઝરાયેલ અત્યાર સુધી ૪૬ હજાર પેલેસ્ટાઇનીઓને ખતમ કરી ચૂક્યું છે. ઇઝરાયેલનો દાવો છે કે તેણે હમાસના ૧૭ હજાર ફાઇટરોને ખતમ કર્યા છે, જો ઇઝરાયેલનો દાવો સાચો હોય તો પણ ૨૯ હજાર નિર્દોષ તો માર્યા જ ગયા છે, જેમા મુખ્યત્વે મહિલાઓ અને બાળકો છે.આ દરમિયાન ગાઝાપટ્ટીની ૨૩ લાખની વસ્તીમાંથી ૨૧ લાખની વસ્તી નિરાશ્રિત થઈ ગઈ છે અને તંબુમાં જ રહે છે.
નેતન્યાહુની ઓફિસે આરોપ મૂક્યો હતો કે હમાસ તેની પોતાની વાત પરથી ફરી રહ્યુ છે, જેમા તેણે સ્વીકાર્યુ હતું કે ઇઝરાયેલ બંદીઓના બદલામાં છોડવામાં આવનારા કેદીઓમાં ફાંસીની સજા પામેલા કેદીને ન છોડવાનો વીટો પાવર ધરાવે છે. હજી સુધી બંદીઓને છોડી ન લાવવા બદલ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ઘરઆંગણે જબરદસ્ત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. તેમના શાસકીય જોડાણના જમણેરી હિસ્સેદારોએ તેમને ધમકી આપી છે કે હમાસને જો વધુ પડતી રાહતો આપી તો તેઓ સરકારને ટેકો પરત ખેંચી લેશે. જો કે તે વિપક્ષની મદદથી ઠરાવ તો મંજૂર કરાવી શકે છે, પરંતુ આ સ્થિતિમાં તેમનું શાસકીય જોડાણ નબળું પડી શકે છે.