ઇઝરાયેલની એરસ્ટ્રાઇક : હીઝબુલ્લાહ પર યુદ્ધવિરામ સંધિ તોડવાનો આરોપ
- યુદ્ધવિરામથી ઇઝરાયેલી નાગરિકો નારાજ, રસ્તા પર ઉતર્યા
- ઇઝરાયેલે યુદ્ધવિરામ પહેલા લેબનોનમાં 25થી વધુ સ્થળોને લક્ષ્યાંક બનાવી હુમલો કરતાં 12ના મોત અનેક ઘાયલ
તેલઅવીવ : ઇઝરાયેલે લેબનોન સાથેની યુદ્ધવિરામ સંધિના બીજા જ દિવસે સાઉથ લેબનોનમાં એરસ્ટ્રાઇક કરી છે. તેણે હીઝબુલ્લાહ પર યુદ્ધવિરામ સંધિત તોડવાનો આરોપ મૂકતા આ હુમલો કર્યો છે. રોકેટ સ્ટોરેજ ફેસિલિટી ખાતે ઇઝરાયેલે હીઝબુલ્લાહની પ્રવૃત્તિ જોતાં આઇડીએફે હુમલો કર્યો હતો. ઇઝરાયેલે હીઝબુલ્લાહે આ યુદ્ધવિરામ ક્યાં તોડયો તેની વિગત આપી ન હતી.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત પછી ઇઝરાયેલમાં નારાજ લાખો લોકો રસ્તા પર ઉતર્યા છે તો લેબનોનમાં ઉત્સાહનું વાતાવરણ છે. ઇઝરાયેલના તેલઅવીવમાં વિસ્થાપિતો અને તેમને સમર્થકોએ આ યુદ્ધવિરામનો રસ્તા પર ઉતરી ભારે વિરોધ કર્યો. તેમણે આ યુદ્ધવિરામને વર્તમાન જ નહીં આગામી પેઢીઓ માટે પણ ખતરનાક ગણાવ્યા
ઇઝરાયેલના વિસ્થાપિતોનું કહેવું છે કે ઉત્તરી ઇઝરાયેલમાં તેમની સુરક્ષાની ગેરંટી વગર સરકાર યુદ્ધવિરામ માટે સંમત કેવી રીતે થઈ ગઈ. આ યુદ્ધવિરામ હાલમાં ૬૦ દિવસનો છે. આ યુદ્ધવિરામનું કેટલું પાલન થશે તેની શું ખાતરી છે. અગાઉ પણ ઇઝરાયેલે હીઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરેલા જ છે, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી.
હીઝબુલ્લાહે દરેક યુદ્ધવિરામનો ઉપયોગ પોતાને વધુ મજબૂત બનાવવા અને ઇઝરાયેલ પર આગામી હુમલા વધુ ઘાતક બનાવવા કર્યો છે.ઇઝરાયેલીઓ હજી પણ તેલ જુઓ તેલની ધાર જુઓ તેમા માને છે. તેઓ માને છે કે ભલે યુદ્ધવિરામની જાહેરાત થઈ હોય, પરત ફરવુ ખતરાથી ખાલી નથી. હીઝબુલ્લાહ સામે હજી પણ પૂરેપૂરી આકરી કાર્યવાહી થઈ નથી.
બીજી બાજુ યુદ્ધવિરામની જાહેરાત થતાં લેબનોનમાં પરત આવવા લેબનીઝો ઉમટી પડતા ઇઝરાયેલના લશ્કરે તેમના પર ગોળીબાર કરવો પડયો હતો. તેમા બેને ઇજા પણ પહોંચી છે. ઇઝરાયેલ દાવો કરી ચૂક્યું છે કે હજી યુદ્ધવિરામને ૨૪ કલાક પણ થયા નથી ત્યાં લેબનોન પક્ષે યુદ્ધવિરામનો ભંગ પણ થવા માંડયો છે.
ઇઝરાયેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ દક્ષિણ લેબનોનમાં તેમના સુરક્ષા દળોને તબક્કાવાર ધોરણે દૂર કરશે. તેઓને લેબનોનમાંથી હુમલાની સંભાવના નામશેષ થશે તેના પછી જ તે પરત ફરશે. જ્યારે લેબનોનના દળોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના દળો તબક્કાવાર ધોરણે તેમનું સ્થાન ખાલી કરશે, તેના પછી તેઓ તેમના સ્થાને આ જગ્યાનો હવાલો સંભાળશે.
ઇઝરાયેલના લશ્કરે પરત ફરતા લેબનીઝોને ચેતવણી આપી છે કે હજી હણ દક્ષિણ લેબનોનમાં તેનો કબ્જો છે. તેણે લોકોને ત્યાં આવતા અટકાવવા ખુલ્લો ગોળીબાર પણ કર્યો હતો. ઇઝરાયેલના ગોળીબારમાં કેટલાક ફ્રીલાન્સ પત્રકારોને પણ ઇજા પહોંચી હતી.યુદ્ધવિરામની જાહેરાત પહેલા ઇઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લાહના ૨૫ સ્થળોને લક્ષ્યાંક બનાવતા મિસાઇલ હુમલો કર્યો હતો. તેમા ૧૨ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઇજા પામ્યા હતા. આ હુમલામાં ઇઝરાયેલે બૈરૂતમાં આખી ઇમારત ઉડાવી દીધી હતી.