ઇઝરાયેલની એર સ્ટ્રાઇક- ગાજામાં હમાસ, લેબ નોનમાં હિજબુલ્લાહ પછી યમનમાં હુતીઓનો વારો
રાસ ઇસા અને હોદેઇદાહ પોર્ટ ઉપરના વીજળી સંયંત્રો પર હુમલો કર્યો
યમનમાં વિદ્રોહી ગણાતા શિયા સંગઠન હુથીને ઇરાનનું સમર્થન છે.
તેલઅવિવ,૩૦ સપ્ટેમ્બર,૨૦૨૪,સોમવાર
ઇઝરાયેલ પેલેસ્ટાઇનના ગાજામાં કટ્ટરવાદી આતંકી સંગઠન હમાસ અને હમાસને મદદ કરનારા લેબનોનના હિજબુલ્લાહ સંગઠન પર હુમલો કર્યા પછી યમનના હુતીઓને ટાર્ગેટ કરી રહયું છે. લેબનોનમાં ઇઝરાયેલ એર સ્ટ્રાઇક કરીને હિજબુલ્લા ચીફ હસન નસરલ્લાહ સહિત અનેક આંતકી કમાંડરોને મોતને ઘાટ ઉતાર્યા પછી યમનના હુતી વિદ્રોહીઓને પાઠ ભણાવવા તલપાપડ બન્યું છે. યમનમાં રાજકિય વિદ્રોહી ગણાતા શિયા સંગઠન હુથીને ઇરાનનું સમર્થન છે.
ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં સૈન્ય કાર્યવાહી શરુ કરી ત્યારે હુથી વિદ્રોહીઓએ દરિયામાં ચાંચિયાગીરી કરીને ઇઝરાયેલના જહાજોને નુકસાન પહોંચાડતા હતા. આથી ઇઝરાયેલ હમાસ અને હિજબુલ્લાહની જેમ હુથીઓને પણ દુશ્મન માને છે. ઇઝરાયેલે હોદેઇદાહ બંદરગાહ પર એર સ્ટઇક કરી જે હુથી વિદ્રોહીઓનો ગઢ માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં હુથીઓના એક મોટા સમૂહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ હૂતી વિદ્રોહીઓએ છેલ્લા બે મહિનામાં ઇઝરાયેલ પર ઘણી મિસાઇલો છોડી હતી.આથી ઇઝરાયેલે રાસ ઇસા અને હોદેઇદાહ પોર્ટ ઉપરના વીજળી સંયંત્રો પર હુમલો કર્યો હતો.પ્રાપ્ત જાણકારી મુજબ ઇઝરાયેલી હુમલાના કારણે હોદેઇસિટીના મોટા ભાગમાં વીજળી પુરવઠો ખોરવાઇ ગયો છે. ઇઝરાયેલે સ્પષ્ટતા કરી છે કે હુથી પરનો હુમલો તેલ અવીવ પાસે બેન ગુરિયન એરપોર્ટને નિશાન બનાવવાના અપરાધ બદલ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલી સેનાએ એક બયાનમાં જણાવ્યું હતું કે હોદેઇદાહ બંદર ઇઝરાયેલથી ૧૮૦૦ કિમી દૂર આવેલું હોવાથી આ હુમલો ખૂબ મહત્વનો છે.