સિનવારના ખાત્મા બાદ યુદ્ધનો અંત થશે કે વકરશે? નિષ્ણાતોની ભવિષ્યવાણીએ ચિંતા વધારી!
Image Source:Twitter
Israel–Hamas war: ઓક્ટોબર 2023માં હમાસના હુમલા બાદ ઈઝરાયેલે એવો તાંડવ શરૂ કર્યો કે, આખું ગાઝા બરબાદ થઈ ગયું છે. ઈઝરાયલે ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધી છે. બીજી તરફ ઈઝરાયલે હમાસના એક બાદ એક અનેક મોટા નેતાઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેઓ ભલે ગમે એટલી ઊંડી સુરંગમાં કેમ ન છુપાયા હોય પરંતુ ઈઝરાયલની બાજ નજર અને ઘાતક પ્રહારથી બચી નથી શક્યા. હવે હમાસ નેતા યાહ્યા સિનવારના મોત બાદ હમાસની કમર તૂટી ગઈ છે. હવે તેમની સામે નવા નેતાનું સંકટ પણ ઊભું થઈ ગયું છે. બીજી તરફ બીજું એંગલ એ પણ છે કે, હવે હમાસ પાસે ગુમાવવા માટે વધારે કંઈ નથી રહ્યું. ત્યારે આવી સ્થિતિમાં તે પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને ઈઝરાયલ સાથે યુદ્ધ કરી શકે છે.
સિનવાર 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઈન્ડ
7 ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ સિનવારના કારણે ગાઝા યુદ્ધ શરૂ થયું હતું. ઓગસ્ટમાં ઈઝરાયલે તેહરાનમાં હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી હતી. બીજી તરફ નિષ્ણાતો કહે છે કે યાહ્યા સિનવારની હત્યા ઈઝરાયલ માટે મોટી સફળતા છે. તેમના મૃત્યુ બાદ હમાસના આતંકવાદીઓમાં ભયનો માહોલ છે અને તેમના માટે નવા નેતાની પસંદગી કરવી મુશ્કેલ બની ગઈ છે. હમાસે પણ યાહ્યાના મૃત્યુની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયલ ગાઝામાંથી તેના સૈનિકોને હટાવે નહીં ત્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવશે.
આ પણ વાંચો: હમાસને વધુ એક મોટો ફટકો, નવા વડા સિનવારનું પણ મોત ! ઈઝરાયલી સેનાનો દાવો
સિનવારનો ખાતમો હમાસની મોટી હાર
સિનવારના ખાતમાને હમાસની મોટી હાર ગણી શકાય છે. મધ્ય એશિયાના નિષ્ણાતોનું કહેવું છે કે, હવે હમાસની સામે એક મોટો વૈક્યૂમ ઊભો થયો છે. કિંગ્સ કોલેજ લંડનના એન્ડ્રિયાસ ક્રિગે જણાવ્યું કે, હમાસ માટે હવે નવો નેતા શોધવો ખૂબ મુશ્કેલ છે. જો હમાસ તેના પોતાના નેતાની નિમણૂક કરે તો પણ તેની તાકાત યાહ્યા કરતા ખૂબ જ ઓછી હશે. બીજી તરફ ગાઝાની બહાર રહેતા હમાસના નેતાઓ અને ગાઝાની ઓપરેશનલ વિંગના નેતાઓ વચ્ચે મતભેદો સર્જાવાની પણ સંભાવના છે.
જુલાઈમાં ઈઝરાયલે દાવો કર્યો હતો કે, અમે હમાસના મિલિટ્રી ચીફ મોહમ્મદ ડીફને ઠાર કરી દીધો છે. જોકે હમાસે આ વાતનો ઈનકાર કરી દીધો હતો. સિંગાપોર યુનિવર્સિટીના જેમ્સ ડોર્ઝીનું કહેવું છે કે યાહ્યા સિનવાર એવા નેતા હતા જેમને હમાસના રાજકીય અને લશ્કરી બંને મોરચે સમર્થન મળ્યું હતું.
સિનવારની હત્યા બાદ હવે ગાઝાની બહારનું કોઈ હમાસ નેતા આતંકી સંગઠનની કમાન સંભાળી શકે છે. તેમાં મુસા અબુ મરઝુકનું નામ પણ આગળ છે જે હાનિયાના નજીકના ગણાય છે. આ ઉપરાંત કતારમાં રહેતા હાયા પણ હમાસની કમાન સંભાળી શકે છે. આ સિવાય ગાઝાની બહાર રહેતા ખાલિદ મેશાલના હાથમાં પણ હમાસની કમાન જઈ શકે છે. 2017માં હાનિયાને જવાબદારી મળી ત્યાં સુધી તેઓ હમાસના નેતા હતા.
આ પણ વાંચો: હમાસના વડા સિનવારની અંતિમ ક્ષણો ઇઝરાયેલના ડ્રોને રેકોર્ડ કરી, વિડીયો વાયરલ
હમાસનો આગામી લીડર ઓપરેશનલ વિંગમાંથી હોઈ શકે
ક્રિગે કહ્યું કે, હમાસનો આગામી લીડર ઓપરેશનલ વિંગમાંથી હોઈ શકે છે. સિનવારના નાના ભાઈ મોહમ્મદ સિનવરનું નામ પણ તેમાં છે. હવે સવાલ એ છે કે શું હમાસ ફરીથી પહેલાની જેમ મજબૂતીથી ઊભુ થઈ શકશે. હમાસની મોટી હાર થઈ છે. આવી સ્થિતિમાં તે ગાઝામાં ઈઝરાયેલનો સામનો નહીં કરી શકશે. દોર્ઝીએ કહ્યું કે હમાસ પાસે હવે ગુમાવવા માટે કંઈ નથી રહ્યું.