ઇઝરાયેલે 9 મહિનામાં હમાસની 20 બટાલિયન નો સફાયો કર્યો, હવે માત્ર 4 જ બચી
હમાસ સામેના જંગમાં ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટનો દાવો,
હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ રહી છે
તેલઅવિવ,૧ જુલાઇ,૨૦૨૪,સોમવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટે હમાસની ૨૦ બટાલિયનનો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો. હવે હમાસની માત્ર ૪ બટાલિયનો જ બાકી રહી છે તેનો પણ નાશ કરવામાં આવશે. હમાસના આતંકીઓ ઇઝરાયેલની સેના સામે ટકી શકયા નથી. શસ્ત્રો તેમજ અન્ય સપ્લાયલાઇન બંધ હોવાથી ધીમે ધીમે સકંજો કસાઇ રહયો છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં પ્રકાશિત માહિતી મુજબ નેતન્યાહુ સરકારના સંરક્ષણમંત્રીનું આ નિવેદન ઇઝરાયેલની હમાસની કાર્યવાહીના ૯ મહિના પછી આવી છે. જે ક્ષેત્રોમાં ઇઝરાયેલી સૈનિકો સંઘર્ષ કરી રહયા હતા ત્યાં હવે આગળ વધી રહયા છે. આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) ગાજાપટ્ટીમાં બચેલી હમાસની કેટલીક બટાલિયન સિવાય તમામ સ્થળોએ સરસાઇ મેળવી લીધી છે. હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ બચી છે.
ઇઝરાયેલી સેનાએ ઇજિપ્ત સાથે જોડાયેલી રાફા સરહદ વિસ્તાર પર કબ્જો કર્યો હતો. સરહદ પર કુલ ૨૫ જેટલી સુરંગો પર કબ્જો મેળવવામાં આવ્યો છે. આ સુરંગોનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ સુરંગોનો ઉપયોગ હમાસના આતંકીઓ શસ્ત્ર પુરવઠો રાખવા માટે કરતા હતા. હવે હમાસના આતંકીઓએ ઘુંટણ ટેકવીને શરણે આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. હમાસ સંગઠનની ઇઝરાયેલના સૈનિકો સામે લડવાની ઇચ્છાશકિત તુટી રહી છે.