અમેરિકાની ચૂંટણી પહેલા ઇઝરાયેલ ઇરાન પર પ્રચંડ વળતો હુમલો કરશે
- અમેરિકાના અધિકારીઓનું સ્પષ્ટ અનુમાન
- અમેરિકાએ ઇઝરાયેલને એડવાન્સ્ડ એર ડીફેન્સ સીસ્ટમ 'THAAD' આપી છે : તે પૂર્વે સ્ટીમરો ભરી શશસ્ત્રો આપ્યા છે
વૉશિંગ્ટન : નવેમ્બર ૫મી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પહેલા ઇઝરાયલ ઇરાન પર પ્રચંડ વળતો હુમલો કરશે તેવું અનુમાન અમેરિકાના અધિકારીઓ બાંધી રહ્યા છે.
આ માહિતી આપતાં અમેરિકાનું વિશાળ પ્રસાર માધ્યમ નેટવર્ક સી.એન.એન. આધારભૂત સાધનો પાસેથી મળેલી માહિતી ઉપરથી જણાવે છે કે, આ મહીનાના પ્રારંભમાં ઇરાને આશરે ૨૦૦ જેટલાં મિસાઇલ્સ ઇઝરાયલ પર વરસાવ્યા પછી ઇઝરાયલ ઝનૂને ભરાયું હતું અને તેણે દક્ષિણ લેબેનોનમાં પ્રચંડ આક્રમણ કરી હીઝબુલ્લાહના અગ્રીમ નેતાઓ સહિત આશરે ૨૫૦૦નો ખાત્મો બોલાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલના આ વળતા પ્રહારોને અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી સાથે સીધો સંબંધ નથી. બેન્જામિન નેતન્યાહૂ તે બરોબર સમજે છે કે તેની અમેરિકાનાં રાજકારણ ઉપર શી અસર થશે.
બીજી તરફ મધ્ય પૂર્વમાં થઇ રહેલી અશાંતિ ઉપપ્રમુખ કમલા હેરિસના ચૂંટણી પ્રચારને વધુ ગૂંચવી રહી છે. એક વર્ષથી ગાઝામાં આવી રહેલા યુદ્ધે દુનિયાભરમાંથી ટીકાઓ વહોરી લીધી છે. એક તરફ પ્રગતિશીલ તત્વો ગાઝામાં સબળ રીતે માનવીય સહાય મોકલવા અનુરોધ કરે છે, તો બીજી તરફ રીપબ્લિકન્સ આ પરિસ્થિતિને ''યોગ્ય રીતે'' હાથ ન ધરવા માટે બાયડેન વહીવટીતંત્રની ટીકા કરે છે.
બાયડેન વહીવટીતંત્રે તાજેતરમાં ઇઝરાયલને ગાઝામાં માનવીય સહાય મોકલવામાં સરળતા કરી આપવાનો ઇઝરાયલને અનુરોધ કર્યો છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને પત્ર લખી ઇઝરાયલને જણાવ્યું છે કે, જો ઇઝરાયલ ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં સહાયભૂત નહીં થાય, તો અમેરિકા દ્વારા તેને અપાતી લશ્કરી સહાય જોખમાઈ જશે. પરંતુ તે પત્રમાં બાયડેન કે હેરિસ કોઇની 'કાઉન્ટર સિગ્નેચર' નથી તે નોંધવું જરૂરી છે.
દરમિયાન અમેરિકાએ ઇઝરાયલને 'થાડ' નામક એડવન્સ્ડ-એર-ડિફેન્સ-સીસ્ટમ આપી તેની સંરક્ષણ ક્ષમતા વધારી દીધી છે.
આ તરફ ઇઝરાયલના આ વળતા પ્રહારોએ મહત્વના રાજ્યો જેવા કે મિશીગનમાં બાયડેન અને કમલા માટે પરિસ્થિતિ ગૂંચવી નાંખી છે. કારણ કે ત્યાં આલબ અમેરિકન્સની બહુમતી છે.
કમલા અત્યારે જ્યાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યાં ઇઝરાયલ-હમાસ-ઇરાન યુદ્ધ એક સંવેદનશીલ મુદ્દો છે. બાયડેન ઇઝરાયલને ઇરાનના પરમાણું સંયંત્રો અને તેલ સ્થાનો ઉપર હુમલા ન કરવા ભારપૂર્વક જણાવી દીધું છે. પરંતુ ઇઝરાયેલ કહે છે કે ''અમે અમારાં રાષ્ટ્રીય હિત પ્રમાણે જ કામ કરીશું.''
આથી અમેરિકાના અધિકારીઓ માને છે કે, તેથી રીપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને ફાયદો થવા સંભવ છે. જો કે, તે માટે કોઈ સીધાં પ્રમાણો તો મળી શકે તેમ નથી.