ઇઝરાયેલે પેલેસ્ટાઇનની સાથે લેબનોન અને ઈરાન સામે પણ યુદ્ધ છેડયું
- 70,000 મોત
- 1,00,000 ઘાયલ
- 20 અબજ ડોલરનું નુકશાન
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ પ્રવર્તતી હતી ત્યારે ૭ ઓકટોબર,૨૦૨૩ના રોજ પેલેસ્ટાઇનના હમાસ જૂથે પગ પર કુહાડો મારતા ઇઝરાયેલ પર ઓચિંતો હુમલો કરીને ૧૨૦૦ના મોત નીપજાવ્યા અને ૨૦૦ને બંધક બનાવ્યા બસ તે દિવસ અને આજની ઘડી સુધી ઇઝરાયેલ ઘવાયેલ સિંહની જેમ પેલેસ્ટાઇનને ઘમરોળી રહ્યું છે. સ્વાભાવિક છે કે ઇઝરાયેલને અમેરિકા અને યુરોપનો ટેકો છે તો જ આ હદે વિનાશકતા વેરાઈ શકે. ઇઝરાયેલ વિશ્વની કે માનવ હક્કની જાળવણી કરનાર સંસ્થા કે યુનાઈટેડ નેશન્સ કોઈની શેહમાં આવ્યા વગર બાળકો, નિરાશ્રિતોનો કેમ્પ, હોસ્પિટલ સહિત તમામ સંવેદનશીલ સ્થળો પર મિસાઈલ અને બોમ્બ હુમલા કરે છે. એ તો ઠીક પણ પેલેસ્ટાઇનના સમર્થકો એવા લેબનોન, ઈરાનને પણ યુદ્ધની અગનજવાળાની લપેટમાં લઈ લીધું છે. ઈરાન તો પરમાણુ શસ્ત્રો ધરાવે છે તો પણ તેના પર મિસાઈલ દિવાળીની આતશબાજીની જેમ છોડે છે. 'સીઝ ફાયર'ની વાત જારી રાખીને પણ હુમલા તો કર્યા જ. ચીન, રશિયા કે અન્ય ઇસ્લામિક દેશોએ પેલેસ્ટાઇન આશા રાખતું હતું તેવો સાથ નથી આપ્યો. દરમિયાનગીરી પણ નથી કરી. યુદ્ધમાં ૯૫ ટકા જેટલું નુકશાન પેલેસ્ટાઇન, ઈરાન અને લેબનોનને થયું છે પછી તે ફોટો લાઈનના હેડીંગમાં આપેલ મૃત્યુનો આંક હોય કે નુકશાનીનો અંદાજ. આ આગ ક્યારે બુઝાશે તે કોઈ નથી કહી શકતું.
ઇરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસી અને વિદેશ મંત્રી સહિત આઠના હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ
ઈરાન એરફોર્સના હેલીકોપ્ટરની ક્રેશની દુર્ઘટનામાં ઇરાનના પ્રમુખ ઇબ્રાહિમ રાઈસી, વિદેશ મંત્રી હોસેન આમિર, અઝેરબાઇજાનના ગવર્નર જનરલ માલેક રહેમતી અને ઇરાનના પ્રમુખની સલામતીના વડા સહિત આઠના મૃત્યુ થયા હતા. ધુમ્મસ ભર્યા વાતાવરણને લીધે પાઇલોટને પૂરતું દેખાયું નહીં હોય તેમ આ અકસ્માતનું કારણ મનાય છે.
હમાસના વડા ઇસ્માઇલ હાનીયેહનું મોત : ઇઝરાયેલનું કરતૂત
પેલેસ્ટાઇનના લડાયક જૂથ હમાસની કરોડરજ્જુ મનાતા ભારે શક્તિશાળી નેતા ઇસ્માઇલ હાનીયેહ ઇરાનના નવા વરાયેલા પ્રમુખની શપથવિધિમાં ભાગ લઈને તહેરાનના મીલીટરી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. આ ગેસ્ટ હાઉસ જડબેસલાક લશ્કરી સુરક્ષા વચ્ચે મહેમાનોને સાચવે છે.
હાનીયેહ મોટેભાગે ઇઝરાયેલ જોડે સંધી પ્રસ્તાવ બાબત વાત કરતા હતા ત્યાં ગેસ્ટ હાઉસ અચાનક ધણધણી ઊઠયું. હાનીયેહ અને ત્યાં હતા તે બધા માર્યા ગયા. આજ દિન સુધી ઈરાનની ગુપ્તચર સંસ્થા નક્કી નથી કરી શકી કે આ ધડાકો મિસાઈલ હુમલાનો હતો કે અગાઉથી કોઈએ પ્લાન્ટ કરેલ બોમ્બનો હતો કે રિમોટ કંટ્રોલ બોમ્બનો હતો. ઇરાને જાહેર કર્યું કે આ હુમલો ઇઝરાયેલે કર્યો છે. ઇઝરાયેલે જવાબમાં ઈરાનને ચેતવણી આપી કે 'જો કોઈપણ પ્રકારનો કાંકરીચાળો કરશો તો ખોખરા કરી દઈશું.' રશિયાએ ઈરાનને ડિફેન્સ સિસ્ટમ આપવાની તૈયારી કરી. ત્યાં ઇઝરાયેલે ઈરાન પર નિયમિત અંતરે હુમલા જારી કરી દીધા.
હિઝબુલ્લાના ચીફ નસરલ્લાના બંકર પર બોમ્બ અને મોત
ઇઝરાયેલે હોલિવુડ પણ કલ્પના ન કરે તેવી પધ્ધતિથી તેના દુશ્મનોને ઢેર કર્યા છે. હિઝબુલ્લાના ચીફ નસરલ્લા અને તેના ડેપ્યુટી ગુપ્ત રીતે બૈરૂતમાં બંકરમાં રહેતા હતા. આ દરમિયાન ઇઝરાયેલે એર સ્ટ્રાઈક કરી ૮૦ ટન વજનનો બોમ્બ બંકર પર જ ફેંક્યો અને બંકરમાં અને તેની બહાર જે સુરક્ષા કર્મીઓ હતા તે બધાના મોત થયા. જો કે નસરલલ્લા બચાવ દરમિયાન ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે.