ઈઝરાયલ અને ઈરાનમાંથી કોણ વધુ શક્તિશાળી? જાણો બંને દેશોની લશ્કરી ક્ષમતા
image : Socialmedia
Israel Iran War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળે તે પ્રકારના સંજોગો સર્જાયા છે. અમેરિકન પ્રમુખ બાઈડન પણ ચેતવણી આપી ચુકયા છે કે ઈરાન હવે ગમે ત્યારે ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.
આ સંજોગોમાં બંને દેશોના લશ્કરી તાકાતની પણ સરખામણી થવી સ્વાભાવિક છે. બંને દેશોની સૈન્ય ક્ષમતાની વાત કરવામાં આવે તો ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્સ અનુસાર ઈરાન દુનિયાના શક્તિશાળી દેશોની યાદીમાં 14મા અને ઈઝરાયલ 17મા ક્રમે છે.
આ ઈન્ડેક્સમાં સૈનિકોની સંખ્યા, એર પાવર, મિલિટરીની તાકાત, નૌસેનાની ક્ષમતા, પ્રાકૃતિક સંસાધનો, આર્થિક સ્થિતિ તેમજ ભૌગોલિક સ્થિતિ અને લોજિસ્ટિક જેવા પરિબળો ગણતરીમાં લઈને જે તે દેશની શક્તિનુ આકલન કરાતુ હોય છે. ઉપરોકત આઠ પરિબળો પૈકી માત્ર બે જ પાસા પર ઈરાન અને ઈઝરાયલ ખરા ઉતરે છે.
વધુ વાંચો : વધુ એક યુદ્ધના ભણકારા! ભારતીયોને ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયની એડવાઈઝરી
ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાન પાસે 6.10 લાખ એક્ટિવ સૈનિક છે તો ઈઝરાયલ પાસે 1.70 લાખ સૈનિકની સેના છે. જોકે ઈઝરાયલનુ ડિફેન્સ ઈરાન કરતા વધારે છે. કારણકે ઈરાન લાંબા સમયથી અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે અને તેના કારણે તેનો વિદેશી હુંડિયામણનો ભંડાર ઓછો છે.
એરફોર્સની તાકાતની વાત કરવામાં આવે તો ઈરાન પાસે 551 તો ઈઝરાયલ પાસે કુલ 612 વિમાન છે. આ પૈકી ઈઝરાયલ પાસે 241 લડાકુ વિમાનો તો ઈરાન પાસે 186 લડાકુ વિમાનો છે. ઈઝરાયલ પાસે દુનિયાના સૌથી શક્તિશાળી ફાઈટર જેટમાં સ્થાન પામતા એફ-16 અને એફ-35 જેવા વિમાનો છે.
જમીની સેનાની સરખામણી કરાય તો ઈઝરાયલ પાસે કુલ 1370 ટેન્કો અને ઈરાન પાસે 1996 ટેન્કો છે. જ્યારે ઈરાન પાસે 580 તોપો અને ઈઝાયેલ પાસે 650 ઓટોમેટિક તોપો છે.
નૌસેનાના મામલામાં ઈરાન આગળ છે. ઈરાનની નૌસેનામાં 101 જહાજો છે તે ઈઝરાયલ પાસે માત્ર 67 છે. બંને દેશોમાંથી એકની પણ પાસે એરક્રાફટ કેરિયર કે હેલિકોપ્ટ કેરિયર નથી. ઈરાન પાસે 19 સબમરિનો છે તો ઈઝરાયલ પાસે માત્ર 5 સબમરિનોનો કાફલો છે.
એવુ મનાય છે કે, ઈઝરાયલ પાસે ન્યુક્લિયર બોમ્બ છે અને ઈરાન આ બોમ્બ બનાવવાની બહુ નજીક છે. બંને દેશો પાસે અત્યાધુનિક ડ્રોન પણ છે. ઈરાન પાસે અલગ અલગ નવ પ્રકારની મિસાઈલો છે. જે 1400 કિલોમીટરથી લઈને 2500 કિલોમીટર સુધીના વિસ્તારમાં પ્રહાર કરી શકે છે. મિસાઈલ ક્ષમતાની રીતે જોવામાં આવે તો ઈઝરાયલ કરતા ઈરાન પાસે વધારે વિકલ્પો મોજૂદ છે.
જોકે ઈઝરાયલે મિસાઈલોને હવામાં તોડી પાડતી અત્યાધુનિક આઈરોન ડોમ સિસ્ટમ વિકસાવેલી છે. જે ડ્રોનનો પણ સામનો કરવામાં સક્ષમ છે. સાથે સાથે અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ પણ ઈઝરાયલ ધરાવે છે.