15 મહિના બાદ થયેલા યુદ્ધવિરામનો ઈઝરાયલે 15 જ કલાકમાં કર્યો ભંગ, ગાઝામાં 73 મોત
Israel Violates Ceasefire With Hamas: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાને 24 કલાક પણ થયા નથી ત્યાં ઈઝરાયલે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. ઈઝરાયલની સેનાએ ગાઝા પર ગુરૂવારે હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા છે. વિદેશી મીડિયા અનુસાર, ઈઝરાયલે ગુરૂવારે વહેલી સવારે ગાઝા પર બોમ્બમારો કર્યો હતો. જેમાં 200થી વધુ નાગરિકો ઘાયલ થયા હતા.
ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસલે જણાવ્યું હતું કે, 'ગાઝા પટ્ટી પર યુદ્ધવિરામ કરારની જાહેરાત કરવામાં આવી ત્યારથી, ઇઝરાયલની ઓક્યુપેશન ફોર્સે બોમ્બમારો કરતાં 73 લોકો માર્યા ગયા છે. જેમાં 20 બાળકો અને 25 મહિલાઓ છે. ઈઝરાયલનો આ હુમલો હજી ચાલુ છે.'
આ પણ વાંચોઃ આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની સેલેરી 186 ટકા વધશે! આ રીતે મળશે લાભ
15 મહિના બાદ યુદ્ધ વિરામ પર સહમતિ
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે જ બંને વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ હોવાના અહેવાલો આવ્યા હતા. 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુદ્ધવિરામની પુષ્ટિ કરી હતી. બાદમાં, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે, 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ઘણી બાબતો પર સહમતિ બની છે. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર સંપૂર્ણ સમજૂતી હજુ સુધી થઈ શકી નથી. મોડી રાત્રે તમામ બાબતોને આખરી ઓપ આપવામાં આવશે.
નેતન્યાહુએ કેબિનેટની બેઠકમાં જવાનો ઈન્કાર કર્યો હતો
ઈઝરાયલ મીડિયાના અહેવાલ મુજબ, યુદ્ધવિરામ ડીલને અંતિમ મંજૂરી આપવા માટે ઈઝરાયલ કેબિનેટની ગુરુવારે બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ નેતન્યાહૂએ ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. નેતન્યાહુની ઓફિસે આરોપ લગાવ્યો હતો કે હમાસે યુદ્ધવિરામ સોદાની કેટલીક શરતોમાં પીછેહઠ કરી છે. હમાસ નિયત મર્યાદા કરતાં વધુ છૂટછાટ માંગી રહી હતી. તે સ્વીકાર્ય નથી. હમાસે ઈઝરાયલના તમામ આરોપોને ફગાવી દીધા હતાં. તેમનું કહેવું છે કે હમાસ યુદ્ધવિરામની તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે.