ઈરાન મોડામાં મોડો રવિવારે પ્રચંડ હુમલો કરશે તે ગણતરીએ ઈઝરાયેલ-યુએસએ પૂરી તૈયારી શરૂ કરી
- હમાસ નેતા હનીયેહની હત્યાના પડછંદા
- અમેરિકાનાં વિમાનવાહક જહાજ સહિત પ્રબળ યુદ્ધ જહાજો ભૂમધ્યના પૂર્વ તટે પહોંચ્યા : સાથે ફાઈટર જેટસ પણ ઈઝરાયેલને પહોંચાડી દીધા છે
નવી દિલ્હી : હમાસ નેતા હનીયેહની હત્યા પછી તેલ સમૃદ્ધ મધ્ય પૂર્વમાં ભડકા શરૂ થઈ ગયા છે. ઈઝરાયલ અને અમેરિકા બંને જાણે છે કે હવે ઈરાન ગમે ત્યારે વૈર-તૃપ્તિ માટે પ્રચંડ આક્રમણ શરૂ કરી દેશે. તે કહેવાની જરૂર પણ નથી કે હનીયેહની હત્યા માટે તહેરાનમાં તેઓના 'ઉતારા' માટેનાં મહાલય ઉપર મિસાઇલ્સ હુમલા કરતાં પહેલાં ઈઝરાયલે બચાવ માટે પૂરી તૈયારીઓ કરી જ દીધી હોય તેમજ તેના 'પાલક' અમેરિકાને પણ તુર્ત જ એલર્ટ કરી દીધું હોય આ હત્યા પછી ઈરાન મોડામાં મોડો શનિવારે કે રવિવારે પ્રચંડ હુમલો કરશે તેવી પાક્કી ગણતરીએ ઈઝરાયલ અને તેના પાલક દેશ અમેરિકાએ બચાવ માટે અને વળતા પ્રહારો માટે પૂરી તૈયારીઓ શરૂ કરી જ દીધી છે.
ભૂમધ્ય સમુદ્રમાં રહેલા પોતાના જંગી જહાજ બેડાને અમેરિકાએ તેના વિશાળ વિમાનવાહક જહાજ સાથે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે રવાના કરી દીધો છે. તે કોઈ પણ ભોગે તેના ખાસંખાસ દોસ્ત ઈઝરાયલને બચાવવા માંગે છે. તેણે ઈઝરાયલને ફાયટર જેટ્સ પણ મોકલી આપ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ૪ માસ પૂર્વે એપ્રિલની ૧૩મી તારીખે ઈરાને ઈઝરાયલ પર મિસાઇલ્સ વર્ષા કરી હતી જે પૈકી ૯૦ ટકા જેટલાં મિસાઇલ્સ તો અમેરિકા અને તેના સાથી દેશો તથા ઈઝરાયલે હવામાં જ તોડી પાડયાં હતાં તેમ કહેતા 'ન્યૂયોર્કનું વોલ સ્ટ્રીટ જર્નલ' જણાવે છે કે આ ઉપરાંત વધુ બેલાસ્ટિક મિસાઇલ્સ પણ અમેરિકાએ ઈઝરાયલને આપી દીધા છે.
જો બાયડેન વહીવટી તંત્રને તો ખાતરી જ છે કે હવે ઈરાન ગમે ત્યારે ખાસ કરીને આ વીક-એન્ડમાં જ ઈરાન ઈઝરાયલ પર કે તેના સાથી દેશો પર હુમલા કરશે જ તેમ અમેરિકાના સંરક્ષણ જૂથ પેન્ટાગોએ જણાવ્યું છે.
ટૂંકમાં આ યુદ્ધે મધ્ય-પૂર્વની સ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે તે નિશ્ચિત છે.