યુદ્ધ વચ્ચે નેતન્યાહૂની મોટી કાર્યવાહી, સંરક્ષણ મંત્રીને પદભ્રષ્ટ કર્યા, અચાનક કેમ લીધો આ નિર્ણય?
Israel vs Hamas War Updates | ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંરક્ષણમંત્રી યોવ ગેલેન્ટને હાંકી કાઢ્યા હતા. યુદ્ધ વચ્ચે આ પગલા પાછળ નેતન્યાહુનો તર્ક એ હતો કે તેમની અને ગેલન્ટ વચ્ચે ધીમે ધીમે 'વિશ્વાસનું સંકટ' પેદા થયું હતું અને તેના કારણે હમાસ અને હિઝબુલ્લાહ સામે યુદ્ધ લડવામાં મુશ્કેલી આવી રહી હતી.
ઘણાં મતભેદ હોવાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે ગાઝા અને લેબેનોન સામેના યુદ્ધને લઈને યોવ ગેલેન્ટ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના સંરક્ષણમંત્રી ગેલેન્ટને એવા સમયે બરતરફ કર્યા છે જ્યારે ઇઝરાયલ એકસાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે.
વડાપ્રધાનના કાર્યાલયે નિવેદન જાહેર કર્યું
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુદ્ધની વચ્ચે વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી વિશ્વાસની ભારે ઊણપ દેખાઈ રહી છે. ગાઝા અને લેબેનોનમાં ઇઝરાયલી સૈન્ય અભિયાનના શરૂઆતના દિવસોમાં બંને વચ્ચે સારો એવો વિશ્વાસ દેખાતો હતો અને ખૂબ સારું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આ વિશ્વાસ ખતમ થઈ ગયો છે.
કોને બનાવ્યા નવા સંરક્ષણ મંત્રી?
નેતન્યાહુએ કહ્યું કે તેમણે વિદેશમંત્રી ઇઝરાયલ કાત્ઝને નવા સંરક્ષણમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના યોગદાનને સાબિત કરી દીધું છે. આ દરમિયાન ગિદોન સા'આરને નવા વિદેશમંત્રી બનાવ્યા છે.