ઈઝરાયલે પણ લોથ મારી! જમ્મુ-કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાનના નક્શામાં બતાવતાં મોટો વિવાદ
Israel Map Showing Jammu-Kashmir In Pakistan: ઈરાનના ઈઝરાયલ પર રોકેટ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોચ્યો છે. આ વચ્ચે ઈઝરાયલ મિત્ર દેશ ભારતના નક્શાને લઈને વિવાદોમાં આવ્યું છે. ઈઝરાયલે તેના આધિકારિક મેપમાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવ્યા હતા. જે બાદ અનેક ભારતીયોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હતો.
સોશિયલ મીડિયામાં ઈઝરાયલનો વિરોધ
અહેવાલો અનુસાર, ઈઝરાયલે તેના આધિકારિક નક્શામાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોને પાકિસ્તાનમાં બતાવ્યા હતા. સોશિયલ મીડિયામાં ઈઝરાયલનો વિરોધ થતા ઈઝરાયલના રાજદૂતે તેને વેબસાઈટના તંત્રીની ભૂલ ગણાવી હતી. છેવટે, ખોટા નક્શાને વેબસાઈટ પરથી હટાવવામાં આવ્યો હતો.
ઈઝરાયેલની ભૂલ પર અનેક સોશિયલ મીડિયા યુઝર્સે ટિપ્પણીઓ કરી હતી. 'એક યુઝરે સવાલ કર્યો કે, ભારત ઈઝરાયલ સાથે ઊભું છે પરંતુ, શું ઈઝરાયલ ભારત સાથે છે?' અન્ય એક યુઝરે લખ્યું કે, 'ઈઝરાયલ ભારતનું મિત્ર છે અને મિત્રએ તો નક્શાની ચીની આવૃતિને દૂર કરવી જોઈએ.'
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે નેતન્યાહુ ફસાયા, બ્રિટનના પૂર્વ PMની જાસૂસીનો આરોપ, બાથરૂમમાં વૉઈસ રેકોર્ડર ફીટ કર્યા
થોડા દિવસ પહેલા યુએનમાં ભાષણ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન, ઈરાક, સિરિયા અને યેમેનને અભિશાપ જ્યારે, ઈજિપ્ત, સુદાન, સાઉદી અરેબિયા અને ભારતને આશીર્વાદ ગણાવ્યા હતા. આ દરમિયાન પેલેસ્ટાઈનના ભાગ વેસ્ટ બેંક અને ગાઝાની સાથે સિરિયાના ગોલન હાઈટ્સને ઈઝરાયલનો ભાગ ગણાવ્યા હતા.