ઈઝરાયેલનો બદલો, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ટોચના ત્રણ કમાન્ડરોનો ખાત્મો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલનો બદલો, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ટોચના ત્રણ કમાન્ડરોનો ખાત્મો 1 - image

image : Socialmedia

Israel Airstrike In Lebanon : ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરીને લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર એર સ્ટ્રાઈક કરી છે. જેમાં આ સંગઠનના ટોચના બે કમાન્ડરો સહિત ત્રણના મોત થયા છે. 

ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, 'હુમલામાં હિઝબુલ્લાના પશ્ચિમી વિસ્તારના રોકેટ તેમજ મિસાઈલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસેન શાહોરીનુ મોત થયુ છે. શાહોરીએ લેબનોનના મધ્ય તેમજ પશ્ચિમના વિસ્તારોમાંથી ઈઝરાયેલ પર રોકેટ અને મિસાઈલ એટેક કરવાની યોજના બનાવી હતી અને તેને અંજામ પણ આપ્યો હતો. એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના રોકેટ તેમજ મિસાઈલ યુનિટનો અન્ય એક કમાન્ડર મહેમૂદ ઈબ્રાહિમ ફદલ્લાહ પણ માર્યો ગયો છે. '

આ પહેલા ઈઝરાયેલના હવાઈ હુમલા અંગે અમેરિકન  ન્યૂઝ ચેનલે જાણકારી આપતા કહ્યુ હતુ કે, 'લેબનોનના એન એબલ વિસ્તારમાં હિઝબુલ્લાહના કમાન્ડર ઈસ્માઈલ યૂસુફ બાઝનુ મોત થયુ છે. '

બીજી તરફ હિઝબુલ્લાહે પણ પોતાના ત્રણ લડવૈયાઓ માર્યા ગયા હોવાની વાતને સમર્થન આપ્યુ છે. સંગઠને હુમલા અંગે અને માર્યા ગયેલા વ્યક્તિઓ અંગે વધારે કોઈ જાણકારી પૂરી પાડી નથી. 

13 એપ્રિલે ઈરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયેલ અને ઈરાન એક બીજા પર હુમલા કરવાની ધમકી આપી રહ્યા છે. જોકે 13 એપ્રિલ બાદ બંને દેશોએ હજી સુધી એક બીજા પર સીધો હુમલો કર્યો નથી. 


Google NewsGoogle News