'અખંડની ધૂન': મેક્સિકો પછી હવે ઈઝરાયલ મેદાનમાં, નવો નકશો જાહેર કરતા મુસ્લિમ દેશો ધુંઆપુંઆ
- 3,000 વર્ષ પહેલાં રાજા શાઉલ, રાજા ડેવિડ અને રાજા સોલોમને 120 વર્ષ ગ્રેટર ઈઝરાયલ પર રાજ કર્યું: ઈઝરાયલ
- બાઈબલમાં દર્શાવ્યા મુજબ મધ્ય-પૂર્વમાં બે નદીઓ વચ્ચે અખંડ ઈઝરાયલ ફરી બનાવીશું: વિદેશ મંત્રાલય
જેરુસલેમ : દુનિયામાં અત્યારે હાલ જાણે 'અખંડ ધૂન' ચાલી રહી હોય તેમ અમેરિકા, મેક્સિકો પછી હવે ઈઝરાયલ સદીઓ જૂના તેમના 'અખંડ નકશા' દર્શાવી પાડોશી દેશો પર દાવા કરી રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સપ્ટેમ્બર 2024માં હમાસના હુમલા પછી શરૂ કરેલા યુદ્ધો બાદ હવે તેઓ ખુલ્લેઆમ 'ગ્રેટર ઈઝરાયલ' એટલે કે 'અખંડ ઈઝરાયલ'ની વાતો કરી રહ્યા છે, જેનાથી મધ્ય-પૂર્વમાં મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. આ પહેલાં ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને અમેરિકામાં સમાવી લેવાની વાત કરતા મેક્સિકોનાં મહિલા પ્રમુખ શિનબામે 'અખંડ મેક્સિકો'નો નકશો જાહેર કરી ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ધ ગ્રેટર ઈઝરાયલ પ્લાન યોજનાની જાહેરાત કરતા ઈઝરાયલના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક જૂનો નકશો જાહેર કર્યો છે અને કહ્યું છે કે તેઓ ઈઝરાયલને ગ્રેટર ઈઝરાયલ બનાવવા કટિબદ્ધ છે. ગ્રેટર ઈઝરાયલનો અર્થ એ અખંડ ઈઝરાયલ સાથે છે, જેમાં લેબનોન, જોર્ડન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન, ઈજિપ્ત અને સાઉદી અરબના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આજથી 3000 વર્ષ પહેલાં આ પૃથ્વી પર યહુદી સામ્રાજ્યનું શાસન હતું. ઈઝરાયલ મુજબ આ સમયના રાજા શાઉલ, રાજા ડેવિડ અને રાજા સોલોમને કુલ ૧૨૦ વર્ષ સુધી આ વિસ્તાર પર શાસન કર્યું હતું.
ઈઝરાયલના દાવા મુજબ આ એસમય હતો જ્યારે આ શાસનમાં યહુદી ધર્મનો સૌથી વધુ વિસ્તાર થયો, પરંતુ પાછળથી કસદી સામ્રાજ્યના હુમલાઓ પછી આ વિસ્તારમાં આરબોના ખલીફાઓનું શાસન આવ્યું અને અહીં મુસ્લિમોએ આવીને વસવાટ કર્યો, પરંતુ ઈઝરાયલ આજે પણ તેના મૂળને ભૂલ્યો નથી અને તે હજુ પણ ઈઝરાયલને અખંડ ઈઝરાયલ બનાવવા માગે છે.
ઈઝરાયલે દાવો કર્યો કે બાઈબલના પૂર્વ વિધાનમાં પણ ગ્રેટર ઈઝરાયલની સરહદોનો ઉલ્લેખ છે અને તેને પ્રોમિસ્ડ લેન્ડ ગણાવાયું છે. બાઈબલમાં પણ લખ્યું છે કે પયગમ્બર ઈબ્રાહિમને જે જમીન મળી હતી, તે જમીન ઈજિપ્તની નાયલ નદીથી ફરાત નદી સુધી છે અને આ જ કારણ છે કે ઈઝરાયલ તેના આધારે જોર્ડન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન અને સાઉદી અરબના વિસ્તારોને અખંડ ઈઝરાયલનો ભાગ માને છે. ઈઝરાયલે ૩,૦૦૦ વર્ષ જૂના ઈતિહાસને આધાર બનાવીને અખંડ ઈઝરાયલ બનાવવાનો દાવો કરતાં મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. તેમણે ઈઝરાયલના આ દાવા સામે તિવ્ર વાંધો ઉઠાવ્યો છે. સાઉદી અરબ, જોર્ડન, ઈજિપ્ત અને લેબનોનની સરકારોએ ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નકશાને તેમની સંપ્રભુતા પર હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરી રહ્યું છે. આ પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સપ્ટેમ્બર ૨૦૨૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગ્રેટર ઈઝરાયલનો નકશો જાહેર કરીને નવા વિવાદને જન્મ આપ્યો હતો.
મોદી સરકારે 2023માં 'અખંડ ભારત'નો નકશો જાહેર કર્યો હતો
દુનિયામાં માત્ર 15 દેશ, નકશો સોશિયલ મીડિયા પર વાયરલ
રશિયન મૂળના ગોમ્બર્ગે બીજા વિશ્વ યુદ્ધ પછીની દુનિયાની કલ્પના કરતા 1942માં નકશો બનાવ્યો
નવી દિલ્હી : ઈઝરાયલના વિદેશ મંત્રાલયે 'ગ્રેટર ઈઝરાયલ'નો નકશો જાહેર કરી તેના માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે ત્યારે સોશિયલ મીડિયા પર વિશ્વના નકશા પર માત્ર 15 દેશનો એક નકશો વાયરલ થઈ રહ્યો છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય જાહેર કરવાની તેમજ ગ્રીનલેન્ડનો અમેરિકામાં સમાવેશ કરવાની મહત્વાકાંક્ષા દર્શાવ્યા પછી આ નકશો વાયરલ થયો છે.
ભારતમાં મોદી સરકારે જૂન 2023માં નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો એક ભિંત ચિત્ર સ્વરૂપે દર્શાવાયો છે. આ નકશો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. આવો જ વિવાદ અત્યારે ઈઝરાયલે ગ્રેટર ઈઝરાયલનો નકશો જાહેર કર્યા પછી થઈ રહ્યો છે. આ સાથે દુનિયામાં માત્ર ૧૫ દેશ હોય તેવો એક નકશો પણ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ નામથી પ્રસારિત આ નકશો સૌથી પહેલા ૧૯૪૨માં અમેરિકાના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં મોરિસ ગોમ્બર્ગે પ્રકાશિત કર્યો હતો. ગેમ્બર્ગે દાવો કર્યો હતો કે દુનિયામાં બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વના નકશામાં મોટાપાયે ફેરફારો જોવા મળશે. દુનિયામાં માત્ર ૧૫ જ દેશ હશે. હવે વર્તમાન સમયમાં દુનિયામાં ભારે અશાંતિ ફેલાયેલી છે ત્યારે ફરી એક વખત આ નકશો વાયરલ થયો છે.
આ નકશામાં ઉત્તરમાં કેનેડાથી લઈને દક્ષિણમાં મેક્સિકો સહિતના ટાપુઓને અમેરિકામાં દર્શાવાયા હતા. જોકે, આ નકશો બનાવનાર મોરિસ ગોમ્બર્ગે મૂળ રશિયાના હોવાથી તેમણે રશિયામાં આજના ઈરાન, મંગોલિયા, મંચુરિયા, ફિનલેન્ડ, પૂર્વીય યુરોપ, ઓસ્ટ્રિયા અને જર્મનીના કેટલાક ભાગનો સમાવેશ કર્યો હતો. વધુમાં આ નકશામાં આરબ દેશોને ભેળવીને આફ્રિક ગણરાજ્ય સંઘ (યુએઆર) અંગે વાત કરાઈ છે. બીજીબાજુ સાઉદી અરબ, ઈરાક અને સીરિયા જેવા મધ્ય-પૂર્વના દેશોને ભેળવીને નવો દેશ અરેબિયન ફેડરેટેડ રિપબ્લિકનો ઉલ્લેખ કરાયો છે. મોરિસના આ નકશામાં ભારતનો નકશો ઘણે અંશે અખંડ ભારત સાથે મેળ ખાય છે, જેમાં શક્તિશાળી અખંડ ભારતમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાંયમારને દર્શાવાયા છે. નોંધનીય બાબત એ છે કે આ નકશો ૧૯૪૨માં ત્યારે બનાવાયો હતો જ્યારે ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ પણ નહોતું થયું. ચીનમાં કોરિયા, થાઈલેન્ડ અને લાઓસનો સમાવેશ કરાયો હતો. યુરોપના વર્તમાન મોટા દેશો ફ્રાન્સ, જર્મની અને સ્પેનને ભેળવીને સંયુક્ત રાજ્ય યુરોપ બનાવાયું, જેમાં સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ અને ઈટલીનો પણ સમાવેશ કરાયો હતો.
કેનેડા-મેક્સિકોને અમેરિકામાં ભેળવી દેવા જોઈએ: ટ્રમ્પ
પ્રમુખ શિનબામે અમેરિકાને ગ્રેટર મેક્સિકોમાં દર્શાવતો નકશો જાહેર કર્યો
મેક્સિકોની ખાડીને અમેરિકન ખાડી કરીશું : ટ્રમ્પ અમેરિકા નહીં મેક્સિકન અમેરિકા કહો : શિનબામ
વોશિંગ્ટન/મેક્સિકો સિટી : દુનિયામાં જૂના ઈતિહાસ ઉખાળીને પડોશી દેશોને પોતાનામાં ભેળવી દેવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોડાયા છે. પ્રમુખપદે ચૂંટાયા પછી ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાનો અને મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકન ખાડી કરી દેવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પને વળતો જવાબ આપતા મેક્સિકોનાં મહિલા પ્રમુખ શિનબામે અમેરિકાનું નામ બદલીને મેક્સિકન અમેરિકા નામ રાખવાનો દાવો કર્યો હતો. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વિજય પછી કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી અને કેનેડા તથા મેક્સિકોને અમેરિકામાં ભેળવી દેવાનો દાવો કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પનામા અને ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાનો પણ દાવો કર્યો હતો. આ સાથે ટ્રમ્પે મંગળવારે મેક્સિકોની ખાડીનું નામ બદલીને તેને અમેરિકન ખાડી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ફ્લોરિડામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ટૂંક સમયમાં જ અમે મેક્સિકોની ખાડીનું નામ બદલવાની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે તે અમારી જ છે. અમે મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવા જઈ રહ્યા છીએ. રિપબ્લિકન સાંસદ માર્જોરી ટેલર ગ્રીને કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં મેક્સિકોની ખાડીનું નામ બદલવા માટે અમેરિકન સંસદમાં એક બિલ રજૂ કરશે.
જોકે, ટ્રમ્પને જવાબ આપતાં મેક્સિકોનાં મહિલા પ્રમુખ ક્લાઉડિયા શિનબામે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો. આ સાથે તેમણે કહ્યું કે, મેક્સિકોની ખાડી નામ સંક્યુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત નામ છે. તેમણે વર્ષ ૧૬૦૭નો એક નકશો દર્શાવ્યો જેના પર અમેરિકાનું નામ મેક્સિકો મેક્સિકાના લખ્યું હતું. આ નકશો દર્શાવતા શિનબામે કહ્યું કે, અમેરિકાને આપણે મેક્સિકન અમેરિકા કહીએ તો કેટલું સુંદર લાગશે? મને લાગે છે કે આપણે આવું કરીએ તો ખૂબ જ સુંદર લાગશે. ૧૬૦૭માં અહીંનું બંધારણ અમેરિકા મેક્સિકાના હતું. તેથી તેને મેક્સિકાના અમેરિકા કહેવાતું હતું.